વોશિંગ્ટન- અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાની પરવાનગી આપી દીધી છે. ન્યૂઝ ચેનલ બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ અમેરિકાએ 8 દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપી છે. આ યાદીમાં ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા અને જાપાનનો પણ સમાવેશ થાય છે.આપણે જણાવી દઈએ કે, ઈરાનના ક્રૂડ ઓઈલના મોટાભાગના ખરીદદારો એશિયા ખંડના દેશોમાંથી છે. આ બધા દેશો ઈચ્છે છે કે, પ્રતિબંધ લાગૂ કરવા છતાં અમેરિકા આ દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપે. અમેરિકા તરફથી આ અંગેની સત્તાવાર યાદી સોમવારે રજૂ કરવામાં આવશે.
ચીનના એક અધિકારીએ જણાવ્યું છે કે, અમેરિકા સાથે તેની પણ વાતચીત ચાલી રહી છે. અને જલદી જ ભારતની જેમ ચીનને પણ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની છૂટ મળી જશે.
ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરવામાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. જોકે આ પહેલાં એવું જણાવવામાં આવી રહ્યું હતું કે, ભારત ઈરાન પાસેથી તેની ક્રૂડ ઓઈલની ખરીદીને વર્ષ 2017-18માં 2.26 કરોડ ટન વાર્ષિક (4 લાખ 52 હજાર બેરલ પ્રતિ દિવસ)થી 1.5 કરોડ ટન પ્રતિ વર્ષ (3 લાખ બેરલ પ્રતિ દિવસ) સુધી મર્યાદિત કરવા તૈયાર થઈ ગયું છે.
અગાઉ અમેરિકાએ ધમકી ઉચ્ચારી હતી કે, પાંચ નવેમ્બરથી ઈરાન પર લાગૂ કરવામાં આવનારા પ્રતિબંધ પછી જો કોઈ દેશ અમેરિકાની મંજૂરી વગર ઈરાન સાથેવ્યાપાર કરશે તો તેને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. જેના માટે અમેરિકાએ બધા દેશો ઉપર ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવા દબાણ કર્યું હતું.