લંડનમાં ભાષણઃ રાહુલે કહ્યું, RSS ‘કટ્ટરવાદી’ સંગઠન

લંડનઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અત્રે ‘ચેથમ હાઉસ’ ખાતે આયોજિત એક વાર્તાલાપ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને ‘કટ્ટરવાદી’ અને ‘ફાસીવાદી’ સંગઠન તરીકે ઓળખાવ્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે તેણે ભારતની લગભગ તમામ સંસ્થાઓને એના તાબામાં લઈ લીધી છે.

ચેથમ હાઉસ બ્રિટનની છેક 1920ની સાલ જૂની બિન-સરકારી, નોન-પ્રોફિટ અને નિષ્પક્ષ નીતિ સંસ્થા છે. એનું કાર્ય જાગતિક ઘટનાઓ અંગે સમીક્ષા પૂરી પાડવાનું અને જાગતિક પડકારોના ઉપાયો વિશે સલાહ આપવાનું છે.

રાહુલે કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે, ‘ભારતમાં લોકતાંત્રિક મુકાબલાનું સ્વરૂપ સાવ બદલાઈ ગયું છે અને આનું કારણ એ છે કે આરએસએસ નામનું એક સંગઠન છે જે કટ્ટરવાદી અને ફાસીવાદી છે, તેણે ભારતની લગભગ તમામ સંસ્થાઓને એના તાબામાં લઈ લીધી છે. ભારતમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતી કોમોના લોકો સાથે શું થઈ રહ્યું છે એ તમે જોઈ શકો છો. માત્ર કોંગ્રેસ જ કહે છે એવું નથી.’