ગાઝા સિટીઃ ઈઝરાયલે ગઈ કાલે રાતથી ગાઝા સિટી પર શરૂ કરેલા હવાઈ હુમલા આજે પણ ચાલુ રહ્યા છે. બીજી બાજુ, તેના ભૂમિદળના જવાનો ગાઝા સિટીની સૌથી મોટી હોસ્પિટલ નજીકના સ્થળે હમાસ ઉગ્રવાદીઓ સાથે લડાઈ લડી રહ્યા છે. આને કારણે હોસ્પિટલમાં અનેક દર્દીઓ અને ડોક્ટરો ફસાઈ ગયા છે, કારણ કે હોસ્પિટલમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાઈ પણ અટકી ગઈ છે.
ઈઝરાયલ યુદ્ધવિરામ કરે એવી આંતરરાષ્ટ્રીય સ્તરે હાકલ વધી રહી છે, પણ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ ટેલિવિઝનના માધ્યમથી દેશની જનતાને કરેલા સંબોધનમાં એમ કહીને યુદ્ધવિરામની હાકલને નકારી કાઢી હતી કે જ્યાં સુધી હમાસ આતંકવાદીઓ 240 જેટલા બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ઈઝરાયલ યુદ્ધવિરામ નહીં કરે. હમાસ આતંકવાદીઓએ 240 જણને પકડીને બંદી બનાવ્યા તે પછી 7મી ઓક્ટોબરથી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધ ઘોષિત કર્યું હતું અને ગાઝા સ્ટ્રીપમાંના ગાઝા સિટી પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. નેતન્યાહૂએ તો એમ કહ્યું છે કે ઈઝરાયલ હવે યુદ્ધમાં એની પૂરી તાકાત લગાવી દેશે અને ગાઝામાં હમાસના 16-વર્ષથી ચાલતા શાસનનો અંત લાવી દેશે. ઈઝરાયલનું લશ્કર હમાસની લશ્કરી તાકાતને કચડી નાખશે.