કરતારપુર સાહિબ જવા ભારતીયોને પાસપોર્ટની જરૂર નહીં પડે

ઇસ્લામાબાદ: પાક વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આવ્યું છે કે ભારતીય યાત્રાળુઓએ પાસપોર્ટ લાવવાની જરૂર નથી. ભારત વતી આગોતરી યાદી આપવાની પણ જરૂર નથી. આ સાથે, 9 નવેમ્બર અને 12 નવેમ્બરના રોજ કરતારપુર આવનાર શીખ શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડૉલરની ફી લેવામાં આવશે નહીં.

થોડા દિવસો પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે પવિત્ર ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાત લેવા માટે ભારતીય ભક્તોને માત્ર માન્ય ઓળખકાર્ડની જરૂર પડશે.

પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરની ટિપ્પણીના એક દિવસ પહેલાં ભારતે પાકિસ્તાનને સ્પષ્ટતા કરવા કહ્યું હતું કે શું શીખ ભક્તોને કરતારપુર કોરિડોરની મુલાકાત માટે પાસપોર્ટની જરૂર પડશે કે નહીં.

વડાપ્રધાન ઇમરાન ખાન શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે, જેમાં ભારતીય શીખ યાત્રાળુઓને વિઝા વિના ગુરુદ્વારા દરબાર સાહિબમાં પ્રવેશ મળશે. આ કોરિડોર આ અઠવાડિયે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 550મી જન્મજયંતિની ઉજવણી માટે ખોલવામાં આવી રહ્યો છે.

એક ન્યૂઝ ચેનલને ટાંકીને મેજર જનરલ ગફૂર દ્વારા જણાવાયું છે કે ભારતીય શીખ ભક્તોને કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરવા માટે પાસપોર્ટ બતાવવાની જરૂર રહેશે. ગફૂરે કહ્યું, “સુરક્ષાના કારણોસર, પાસપોર્ટ આધારિત ઓળખ પર આપવામાં આવેલી પરવાનગી હેઠળ કાયદેસર રીતે પ્રવેશ આપવામાં આવશે. સુરક્ષા અને સાર્વભૌમત્વ અંગે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. “

1 નવેમ્બરના રોજ વડાપ્રધાન ખાને ટ્વિટર પર કરતારપુર કોરિડોરનું નિર્માણ પૂર્ણ કરવાની ઘોષણા કરતા કહ્યું હતું કે તેમણે બે શરતો માફ કરી દીધી છે. તેમાંથી એક પાસપોર્ટ સાથે જોડાયેલ શરત હતી, જ્યારે બીજી શરત 10 દિવસ અગાઉથી ભારતથી કરતારપુર તીર્થ પર શીખોની નોંધણી સંબંધિત હતી.

તેમણે કહ્યું હતું કે ભારતના શીખ ભક્તોને કરતારપુર આવવા માટે પાસપોર્ટ નહીં પણ માન્ય ઓળખકાર્ડની જરૂર રહેશે. આ ઉપરાંત ઉદઘાટન સમારોહ માટે આવતાં યાત્રિકો અને 12 નવેમ્બરના રોજ શીખ ગુરુની 550મી જન્મજયંતિ નિમિત્તે આવતાં યાત્રિકો પાસેથી 20 ડોલરની સેવા ફી લેવામાં આવશે નહીં.

કરતારપુર કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનકને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લાના કરતારપુરના દરબાર સાહિબ સાથે જોડશે. આ ગુરુદ્વારા આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલો છે.