ચેરિટી કાયદાનો ભંગ કરવા બદલ ટ્રમ્પને કરાયો 20 લાખ ડોલરનો દંડ

ન્યૂયોર્ક – અમેરિકાના ચેરિટીને લગતા કાયદાનો ભંગ કરવા બદલ ન્યૂયોર્કના એક ન્યાયાધીશે દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 20 લાખ ડોલર (રૂપિયા 14 કરોડ 27 લાખ પાંચ હજાર)નો દંડ ફટકાર્યો છે.

આ કેસ ચેરિટી એથિક્સને લગતો છે અને દંડની રકમ કાયદેસર નોન-પ્રોફિટ સંસ્થાઓને ચૂકવવાનો ટ્રમ્પને આદેશ આપવામાં આવ્યો છે. આ સિવિલ કેસ ટ્રમ્પની એક ભૂતપૂર્વ ચેરિટેબલ સંસ્થા અને સ્ટેટ એટર્ની જનરલ વચ્ચેનો છે.

આ કેસ ટ્રમ્પની હવે બંધ કરી દેવાયેલી ચેરિટેબલ સંસ્થા ધ ડોનાલ્ડ જે. ટ્રમ્પ ફાઉન્ડેશન વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.

ન્યૂયોર્ક સ્ટેટ સુપ્રીમ કોર્ટનાં મહિલા જજ સાલિયન સ્કેરપુલાએ ટ્રમ્પની વિરુદ્ધમાં ફેંસલો સંભળાવ્યો છે.

 

ટ્રમ્પે કેસની કાર્યવાહી દરમિયાન ગયા વર્ષે ટ્વીટ કરીને કહ્યું હતું કે હું આ કેસમાં સમાધાન નહીં કરું. તેથી જજે જે નિર્ણય આપ્યો છે એ ટ્રમ્પને નહીં ગમે.

આ કેસ 2018ના જૂન વખતનો છે. કેસ તે વખતના એટર્ની જનરલ બાર્બરા અન્ડરવૂડે કર્યો હતો. એમણે એવો આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પ અને એમના ત્રણ સંતાન – પુત્રી ઈવાન્કા અને પુત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિકે ફાઉન્ડેશનને મળેલી કરમાફી સુવિધાનો લાભ ઉઠાવ્યો હતો અને પ્રાપ્ત કરેલી રકમનો ઉપયોગ એમના રાજકીય તથા બિઝનેસ હિતો માટે કર્યો હતો.