દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ત્રણ યુવાનના મોત

ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકા જઈને સ્થાયી થયા હતા. મળતી માહિતી મુજબ, આ ત્રણેય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા, આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક મીની બસ સાથે તેમની કારની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં કારમાં એકાએક આગી ફાટી નીકળતા ભરૂચના ત્રણેય યુવાનોના દાઝી જવાથી મોત નીપજ્યા હતા.

સૂત્રોની જાણકારી પ્રમાણે ગુજરાતના ભરૂચના ત્રાલસા કોઠી ગામના શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ નામના ત્રણ યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાં નોકરી શરૂ કરીને સ્થાયી થયા હતા. ભરૂચના ત્રણેય યુવાનો સહિત અન્ય યુવાનો કામ અર્થે જઈ રહ્યા હતા.  આ દરમિયાન તેમની કારનો ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કારમાં આગ લાગવાથી ભરૂચના ત્રણેય યુવાનો ભડથુ થતા મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સાઉથ આફ્રિકામાં અકસ્માતની ઘટનામાં ભરૂચના યુવકોના મોતના સમાચાર સાંભળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.