કોરોનાનો ખતરો દેખાશે તો ઓલમ્પિક માટે પ્લાન બી

એથેન્સ: ચીનના વુહાન બાદ હવે ઈરાન દેશ કોરોના વાઈરસનું નવું કેન્દ્ર બની રહ્યું છે. ચીન બાદ કોરોના વાઈરસના કારણે સૌથી વધારે મોત કોઈ દેશમાં થયા હોય તો તે છે ઈરાન. અહીંયા સંક્રમિત લોકોમાંથી કુલ 25.53 ટકા લોકોના મોત થઈ ચૂક્યા છે. તેનાથી હવે પૂરા મધ્ય-પૂર્વથી આ વાયરસ ફેલાવાનો ખતરો વધી ગયો છે.

તો બીજી તરફ કોરોના વાઈરસનો ખતરો હવે 2020 ટોક્યો ઓલમ્પિકના આયોજન પર પડી શકે છે. ગ્રીસ ઓલમ્પિક કમિટીએ સોમવારે કહ્યું કે, જો તેમના દેશમાં કોરોના વાઈરસનો ખતરો દેખાશે તો તે માટે અમારી પાસે પ્લાન બી તૈયાર છે. કમિટી ઓલમ્પિક મશાલ પ્રગટાવવાની સેરેમનીના અન્ય વિકલ્પો અંગે યોજના બનાવવા માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે.

ટોક્યો 2020 ઓલમ્પિક માટે મશાલ પ્રગટાવવાની તારીખ 12 માર્ચ છે. આ દિવસે પુરાતન ઓલમ્પિયામાં મશાલ પ્રજ્જવલિત કરવામાં આવશે, ત્યાર પછી મશાલને ગ્રીસની ધરતી પર ફેરવવામાં આવશે. 19 માર્ચે આ મશાલને એથેન્સના પાનાથેનિક સ્ટેડિયમાં જાપાની આયોજકોના હાથમાં સોંપવામાં આવશે.

ગ્રીસ ઓલમ્પિક સમિતિએ કહ્યું કે, અમે ઈમરજન્સી સમિતિ અને આરોગ્ય વિભાગ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. જો અમારા દેશમાં વાઈરસની અસર દેખાશે તો અમારી પાસે આના માટે પ્લાન તૈયાર છે. ઓલમ્પિક મશાલ ગ્રીસમાં 37 શહેરો અને 15 જૂની ઈમારતોમાંથી પસાર થશે. આ મશાલ ગ્રીસમાં 3500 કિલોમીટરનું જમીન સ્તર અને 842 ન્યૂટિકલ માઈલનું સફર ખેડશે. જેમાં 600 દોડવીરો સામેલ થશે.

ગ્રીસના રમતગમત રાજ્યમંત્રીએ કહ્યું, અમારા દેશ પાસે આ ખાસ ઉપલબ્ધિ છે જેમાં કોઈ પણ ઓલમ્પિક આયોજન પહેલા આ સેરેમની કરવામાં આવે છે. નિશાનેબાજીમાં ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ ગ્રીસ (યૂનાન)ની અન્ના કોરાકાકી સૌથી પહેલા મશાલ હાથમાં લેશે.