બ્રિટિશ ઉદ્યોગપતિઓને ભારત સાથે મુક્ત વેપાર માટે સુવર્ણ તક

લંડનઃ બ્રિટન અને ભારત ઔપચારિક રૂપે આજથી નવી દિલ્હીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર સમજૂતી) વાટાઘાટ શરૂ કરશે. જેનાથી બ્રિટિશ વેપાર-ધંધાને ભારતીય અર્થતંત્રમાં લાભ થશે અને નવી દિલ્હી સાથેની ભાગીદારીને આગામી સ્તર સુધી લઈ જવામાં આવશે, એમ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર તેજીમાં છે, જેથી આ વેપારની વાટાઘાટથી બ્રિટિશ વેપાર-ધંધાને, કામદારોને અને ગ્રાહકોને લાભ થશે. અમે ભારતની સાથે ઐતિહાસિક ભાગીદારી આગામી સ્તરે લઈ જઈશું. યુકેની સ્વતંત્ર વેપાર નીતિથી રોજગારીનું સર્જન થશે, મજૂરોના વેતનમાં વધારો થશે અને દેશભરમાં સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન મળશે. બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટને ઔપચારિક રૂપે વેપારપ્રધાન પીયૂષ ગોયલ અને બ્રિટિશ ઇન્ટરનેશનલ ટ્રેડ સચિવ એની મેરી ટ્રેવેલિયન દ્વારા શરૂ કરવામાં આવશે. આ મુક્ત વેપાર સમજૂતી હેઠળ 2035 સુધીમાં પ્રતિ વર્ષ 28 અબજ પાઉન્ડનો વેપાર થવાની શક્યતા છે. જે વર્ષ 2019માં યુકે-ભારત આર્થિક સંબંધ આશરે આશરે 23 અબજ પાઉન્ડનો હતો.

તેમણે કહ્યું હતું કે યુકે સ્કોચ વ્હિસ્કી ડિસ્ટિલર્સથી માંડીને નાણાકીય સર્વિસિસ અને રિન્યુએબલ એનર્જી સુધીના વિશ્વ કક્ષાના વેપાર-ધંધામાં નિપુણતા ધરાવે છે અને તેના પર અમને ગર્વ છે.યુકેના ટ્રેડ સચિવ બે દિવસ માટે ભારતમાં છે અને તેઓ યુકે-ઇન્ડિયા જોઇન્ટ ઇકોનોમિક એન્ડ ટ્રેડ કમિટીનું સંયુક્ત રીતે અધ્યક્ષપદ સંભાળશે.

ગયા વર્ષે યુકે-ભારતના વડા પ્રધાનોએ ઘોષણા કરી હતી કે આર્થિક સંબંધો ઉદ્દેશ 2030 સુધી દ્વિપક્ષી વેપાર બે ગણો કરવાનો છે.