નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિને કારણે વૈશ્વિક દેશોમાં કારમી મંદી છવાઈ જવાની આશંકા છે, એક અહેવાલ મુજબ ભારતીય અર્થતંત્ર પર જોકે એની ગંભીર અસર નહીં પડે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો વિકાસદર ચાર ટકા રહેવાની શક્યતા છે. જોકે આ દરમ્યાન એશિયાનો વિકાસદર માત્ર 2.2 ટકા રહેવાનું અનુમાન છે. બેન્કે આગામી નાણાકીય વર્ષ (2020-21)માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.2 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
ભારત પર ખાસ અસર નહીં
ADBએ અહેવાલમાં કહ્યું છે કે ભારતીય અર્થંતંત્રનો પાયો મજબૂત હોવાને કારણે આગામી નાણાકીય વર્ષ દરમ્યાન ભારતનો વિકાસ દરમાં તેજી આવવાની શક્યતા છે. બેન્કના જણાવ્યા મુજબ અત્યાર સુધી ભારતમાં કોરોનાના કેસમાં અસામાન્ય વધારો નથી થયો. તેમ છતાં સરકાર દ્વારા આને રોકવા માટે અસરકારક પગલાં લેવાની સાથે કોર્પોરેટ અને ઇનકેમ ટેક્સને લઈને નાણાકીય સુધારા કરવામાં આવ્યા છે. જેની અસર આગામી નાણાકીય વર્ષમાં જોવા મળશે.
ચીનમાં ઉદ્યોગ, વેચાણ, રોકાણ ઘટ્યાં
બેન્કના અંદાજ મુજબ કોવિડ-19ને લીધે આ વર્ષે પહેલા ત્રિમાસિક ગાળામાં ચીનના ઉદ્યોગ, વેચાણ અને મૂડીરોકાણમાં ભારે ઘટાડો જોવા મળશે અને આને કારણે ત્યાંની આર્થિક વિકાસ દર 2.3 ટકા રહે એવી શક્યતા છે. આગામી નાણાકીય વર્ષમાં ચીનનો જીડીપી વૃદ્ધિદરની ઝડપ 7.3 ટકા સુધી પહોંચી શકે છે.
બેન્કનો અંદાજ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કેમ કે શુક્રવારે ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દરમાં બે ટકા સુધી સીમિત રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
