જર્મનીએ કોરોનાને લીધે 18-એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું

બર્લિનઃ વિશ્વમાં કોરોનાના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જર્મનીમાં પણ કોરોના કેસોમાં વધારો થતાં  અને કોરોનાની ત્રીજી લહેરને તોડવા માટે જર્મનીએ લોકડાઉન 18 એપ્રિલ સુધી લંબાવ્યું હતું અને નાગરિકોને ઇસ્ટરની રજાઓમાં પણ પાંચ દિવસ ઘરે રહેવાની વિનંતી કરી હતી. જર્મનીના 16 રાજ્યોના વડાઓ સાથે ગઈ કાલે રાત્રે થયેલી બેઠક બાદ લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલે તહેવારોની સીઝનમાં નાગરિકોને ઘરે રહીને તહેવાર ઊજવવાનો આગ્રહ કર્યો હતો.

જર્મનીના ચાન્સેલરે જર્મનીના 16 રાજ્યોના વડાઓને રોગચાળા સામે લડવા માટે કડક વલણ અપનાવવાના નિર્દેશ આપ્યા હતા, કેમ કે આ મહિનાના પ્રારંભથી કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં અર્થતંત્રને ફરીથી પુનઃ શરૂ કરવાની યોજનામાં રુકાવટ આવી હતી. જર્મનીએ ત્રણ સપ્તાહ પૂર્વે આર્થિક કામકાજ પુનઃ શરૂ કરવાની યોજના બનાવી હતી, કેમ કે એ વખતે ક્રમશઃ ઘટાડો થયો હતો. જોકે છેલ્લાં બે સપ્તાહથી કોરોનાના નવા કેસોમાં દૈનિક ધોરણે 57 ટકાનો વધારો થતાં એ પુરવાર થયું હતું કે કોરોનાની ત્રીજી લહેર જર્મનીમાં ચાલી રહી છે.

જર્મનીમાં ફેબ્રુઆરીના મધ્યમાં 6000 નવા કેસની સામે છેલ્લા થોડા દિવસથી બમણા એટલે કે દૈનિક ધોરણે 13000 કેસ આવી રહ્યા હતા. વળી નવા કેસોમાં ઝડપી વધારો થતો હતો. સોમવારે જર્મનીમાં દર એક લાખ વસતિએ 107,3 કોરોના નવા કેસ આવ્યા હતા, જે 100ની મહત્તમ મર્યાદા કરતાં વધુ હતા, જેથી કોરોનાની ઇમર્જન્સી બ્રેકને તોડવા માટે લોકડાઉન લગાવવા માટે સહમતી સધાઈ હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]