મલેશિયાની રાજધાની નજીક ગેસ પાઇપલાઇન વિસ્ફોટ 112 ઘાયલ, 49 મકાનોને નુકસાન

મંગળવારે, 1 એપ્રિલ 2025ની સવારે 8:10 વાગ્યે મલેશિયાની રાજધાની કુઆલાલંપુર નજીક સેલાંગોર રાજ્યના પુચોંગ શહેરમાં ગેસ પાઇપલાઇનમાં થયેલા ભયાનક વિસ્ફોટથી આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી ગયો. આ ઘટનામાં ઓછામાં ઓછા 112 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 63ને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે 12 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગ અને બચાવ ટીમો ઘટનાસ્થળે આગ ઓલવવા અને લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું કામ કરી રહી છે.

આ વિસ્ફોટ સ્ટેટ એનર્જી કંપની પેટ્રોનાસની 500 મીટર લાંબી ગેસ પાઇપલાઇનમાં લીકેજને કારણે થયો હતો. પેટ્રોનાસે જણાવ્યું કે આગ લાગ્યા બાદ પાઇપલાઇનનો વાલ્વ તાત્કાલિક બંધ કરી દેવાયો છે, જેનાથી આગ ધીમે-ધીમે ઓલવાઈ જશે. જોકે, આગની તીવ્રતા એટલી હતી કે 49 મકાનોને નુકસાન પહોંચ્યું છે અને નજીકના ગામડાઓમાં રહેતા લોકોને ખાલી કરાવવામાં આવ્યા છે. સેલાંગોરના મુખ્યમંત્રી અમીરુદ્દીન શારીએ જણાવ્યું કે બચાવાયેલા 82 લોકોને નજીકની મસ્જિદમાં આશ્રય આપવામાં આવ્યો છે.

આગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં આકાશમાં ઊંચે ભભૂકતી જ્વાળાઓ અને ગાઢ ધુમાડો સ્પષ્ટ દેખાય છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે ઘરના દરવાજા અને બારીઓ હલી ગયા હતા. સ્ટાર અખબારે ફાયર ડિરેક્ટર વાન મોહમ્મદ રઝાલી વાન ઈસ્માઈલને ટાંકીને કહ્યું કે ડઝનબંધ ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ ઘટના દરમિયાન મલેશિયામાં મુસ્લિમ સમુદાય ઈદની ઉજવણી કરી રહ્યો હતો, જેને કારણે આગની અસર વધુ ગંભીર બની. પેટ્રોનાસે જણાવ્યું કે આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ કોઈ મૃત્યુના અહેવાલ નથી, પરંતુ નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન બાકી છે.