નવી દિલ્હી– લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જનાદેશ મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં જ્યારે NDAના તમામ 353 સાંસદોને સંબોધન કર્યું તો આગામી સરકાર માટે નવો નારો આપી દીધો. સૌનો સાથ સૌનો વિકાસના એજન્ડા પર કામ કરી રહેલા મોદી સરકારે હવે સૌનો વિશ્વાસ જીતવાનો ટાર્ગેટ પણ સામે રાખ્યો છે. મોદીએ તમાના ભાષણમાં કહ્યું કે પંથ અને જાતિના આધાર પર કોઈ વિકાસ યાત્રામાં પાછળ ન રહેવું જોઈએ અને અત્યાર સુધી અલ્પસંખ્યકો સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે તેમાં છેદ કરીનો સૌનો વિશ્વાસ જીતવાનો છે.
પીએમ મોદીના વિઝનની ચોતરફથી પ્રશંસા થઈ રહી છે. ભારતીય મુસ્લિમ સમાજે પણ તેમના વખાણ કર્યાં છે. એટલું જ નહીં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના મુસ્લિમોએ પણ મોદી સરકારને લઈને ખૂબ વિશ્વાસમાં છે.
અમેરિકાના જાણીતા બિજનેસમેન અને લેખક ફ્રેંક એફ ઈસ્લામ સાથે આજતક મીડિયાએ વાતચીત કરી હતી. ફ્રેંક ઈસ્લામે જણાવ્યું કે, મોદી સરકાર જે રીતે પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા પર આવી છે, તેની અમેરિકા સહિતાના દેશોમાં અસર જોવા મળી રહી છે. ફ્રેંકનું માનવું છે કે, વિદેશી નેતાઓ માટે મજબૂત ભારતીય સરકારની સાથે વૈશ્વિક એજન્ડા પર કામ કરવું ઘણાઅંશે સરળ છે અને આ જ કારણ છે કે, તમામ દેશોએ પીએમ મોદીને જીતની શુભેચ્છા પાઠવી.
ફ્રેંકે જણાવ્યું કે, અમેરિકામાં વસ્તા ભારતીય સમુદાયમાં પણ મોદી સરકારની આ જીતની ખુશી જોવા મળી રહી છે. જો કે, અમેરિકન મીડિયામાં મિક્સ રિએક્શન જોવા મળ્યું છે.
સેન્ટર ઓફ અમેરિકન પ્રોગ્રેસ (CAP) વિદેશ નીતિ સલાહકાર પરિષદના સભ્ય ફ્રેંક ઈસ્લામે ભારતીય અર્થવ્યવસ્થા અંગે પોતાના વિચારો રજૂ કર્યાં. તેમણે કહ્યું કે, જીએસટી જેવા નિર્ણયોથી ભારતીય અર્થવ્યવસ્થામાં અવરોધ ઉભો થયો હતો અને વર્તમાન સમયમાં ઈન્ડિયન ઈકોનોમી પડકારોનો સામનો કરી રહી છે. જેથી હવે અર્થતંત્રને વેગ આપવા માટે પીએમ મોદી અને નવા નાણાંપ્રધાને મોટા સુધારાઓ હાથ ધરવા પડશે.
મુસ્લિમ સમાજ અને મોદી સરકાર
ફ્રેંક ઈસ્લામે કહ્યું કે, માત્ર મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ તમામ અલ્પસંખ્યકો અને દલિતોનો વિશ્વાસ જીતવા માટે મોદી સરકારે કામ કરવું પડશું. પાકિસ્તાનને બાદ કરતા તમામ ઈસ્લામિક દેશો સહિત સમગ્ર વિશ્વમાં મોદી સરકારના સારા સંબંધો છે. આ સ્થિતિમાં ભારતની અંદરમાં ધ્રુવીકરણ થશે તો તેનાથી લોકતંત્ર નબળું પડશે.
ભારતીય મુસ્લિમ સમાજને સંબોધિત કરતા ફ્રેંક ઈસ્લામે કહ્યું કે, જે જનાદેશ મોદી સરકારને મળ્યો છે, તેનો ખુલ્લા દિલથી સ્વીકાર કરવો જોઈએ. ફ્રેંકે કહ્યુંકે છેલ્લા પાંચ વર્ષની કેટલીક હિંસક ઘટનાઓએ મુસ્લિમોને અલગ કર્યા છે. જેથી મને આશા છે કે, મોદી સરકારના નવા વિઝનથી એક નવી શરુઆત થશે અને ભારત ઉન્નતિના રસ્તે આગળ વધશે.
જણાવી દઈએ કે, ફ્રેંક એફ ઈસ્લામ મુળ યૂપીના આઝમગઢના છે. તેઓ હવે અમેરિકાના જાણીતા બિઝનેસમેન બની ગયા છે. સાથે તેઓ એક લેખક પણ છે. ફ્રેંક અમેરિકા સરકાર સાથે જોડાયેલી સંસ્થાઓ તેમજ નીતિ નિર્ધારક સમુહોના ભાગ બનતા રહે છે. ફ્રેંક બરાક ઓબામાના ઘણા નજીકના હોવાનું માનવામાં આવે છે. અને ભારતીયો માટે મહત્વની ભૂમિકા પણ ભજવતા રહ્યાં છે.