પેરિસ: ફ્રાંસ, જર્મની, બ્રિટન અને યૂરોપીય સંઘે કહ્યું કે, તે ઈરાનના એક મહત્વપૂર્ણ પરમાણુ પ્લાન્ટમાં પરમાણુ કાર્યક્રમને ફરીથી શરુ કરવાના ઈરાનના નિર્ણયથી અત્યંત ચિંતિત છે. ત્રણેય દેશો અને યૂરોપીય સંધ દ્વારા એક સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે, ફ્રાંસ, જર્મની, બ્રિટનના વિદેશ મંત્રી અને યૂરોપીય સંઘના ઉચ્ચ પ્રતિનિધિ ઈરાનના નિર્ણયથી અત્યંત ચિંતિત છે. ઈરાન ફોર્ડોવ પરમાણુ પ્લાન્ટમાં યૂરેનિયમ સંવર્ધન કાર્યક્રમ ફરીથી શરુ કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (આઈએઈએ) એ 11 નવેમ્બરે તેમના એક રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટી કરી છે. પેરિસ, બર્લિન, લંડન અને બ્રસલ્સે કહ્યું કે, ઈરાનનું આ પગલુ 2015ના સંયુક્ત વ્યાપક કાર્ય યોજના (જેસીપીઓએ) વિરુદ્ધ છે. આની હેઠળ ઈરાન તેમના કેટલાક પરમાણુ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા માટે સહમત થયું હતું.
ઈરાનનું કહેવું છે કે, અમેરિકા આ કરારમાંથી એકાએક બહાર આવી ગયા બાદ તે જેસીપીઓએ પ્રતિ પોતાને બાધ્ય માનતુ નથી. સંયૂક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેહરાનનો આ વર્તમાન નિર્ણય જેસીપીઓએની પ્રતિબદ્ધતાઓનું પાલન ન કરવા જેવું આપત્તિજનક કૃત્ય દેખાડે છે.
મહત્વનું છે કે, આઈએઈએ એ ઈરાન પર તેમના એક તાજેતરના જ રિપોર્ટમાં કહ્યું હતુ કે, તેમણે ઈરાનના પ્લાન્ટમાં યૂરેનિયમના કણ જોયા છે. પરમાણુ હથિયારો પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાએ કહ્યું કે, ઈરાનના અઘોષિત સ્થળ પર તેમને યૂરેનિયમના કણ મળ્યા હતા. ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર જાહેર કરેલ પોતાના રિપોર્ટમાં સંસ્થાએ આ જાણકારી આપી છે.