ન્યુક્લિયર યુદ્ધથી પાંચ-અબજ લોકો ભૂખમરાથી મરે એવી શક્યતા

વોશિંગ્ટનઃ રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લેતું. જેથી વિશ્વમાં સતત ન્યુક્લિયર યુદ્ધનું જોખમ વધી રહ્યું છે. વિશ્વમાં ન્યુક્લિયર બોમ્બ ધરાવતા દેશો વચ્ચે નાનું યુદ્ધ થયું તો કરોડો લોકોને ભૂખ્યા રહેવું પડે એવી સ્થિતિનું નિર્માણ થશે, પણ જો મોટું યુદ્ધ થયું તો અબજો લોકોના ભૂખમરાનું કારણ બને એવી શક્યતા છે, એમ એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે. નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ન્યુક્લિયર યુદ્ધને કારણે સૂર્ય પ્રકાશ પૃથ્વી પર પડી નહીં શકે, જેથી વિશ્વમાં લોકો દુકાળ અથવા અનાજની અછતને લીધે માર્યા જાય એવી ભીતિ છે.

ન્યુ જર્સીમાં રટગર્સ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક લીલી ઝિયા અને તેમના સહયોગીઓએ કરેલા એક અભ્યાસમાં જણાવ્યું છે કે ન્યુક્લિયર યુદ્ધની સૌથી વધુ પ્રતિકૂળ અસર ગ્લોબલ ફૂડ સિસ્ટમ પર પડશે, એટલે કે જો રશિયા અને અમેરિકાની વચ્ચે પરમાણુ યુદ્ધ થયું તો અડધી માનવ વસતિનું નિકંદન નીકળી જશે.

સંશોધકોનું માનવું છે કે યુદ્ધથી વૈશ્વિક પર્યાવરણને છ જુદી-જુદી રીતે નકારાત્મક અસર પડશે. એમાં જો ભારત-પાકિસ્તાન વચ્ચે પણ નાનકડું યુદ્ધ- જેમાં 100 15 કિલોટોન બોમ્બનો ઉપયોગ થયો તો વાતાવરણમાં પાંચ અબજ કિલોગ્રામ કાળો ધુમાડો ફેલાય એવી શક્યતા છે. 

જો સાત પરમાણુ બોમ્બ ધરાવતા દેશો વચ્ચે 4400 100 કિલોટોન બોમ્બ પડ્યા તો 100 અબજ કિલોગ્રામ કાળો ધુમાડો વાતાવરણમાં પ્રસરશે, જેથી સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી નહીં પહોંચી શકે. જેથી અનાજના ઉત્પાદનમાં ઘટ પડશે. આ ઉપરાંત શિયાળાની અને ચોમાસાની પેટર્નમાં ધરખમ ફેરફાર થશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]