લંડન- કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડમાં સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકને પાંચ લાખ પાઉન્ડનો (4.56 કરોડ રુપિયા આશરે) દંડ ફટકારવમાં આવી શકે છે. આ નિર્ણય બ્રિટનના માહિતી કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. ઘટનાની માહિતી આપતા બ્રિટનના માહિતી કમિશનરે જણાવ્યું કે, વપરાશકારોનો ડેટા લીક કરવાના મામલે ફેસબુકને આ દંડ ફટકારવામાં આવી શકે છે.બ્રિટનના માહિતી કમિશનર એલિઝાબેથ ડેનહમે જણાવ્યું કે, તેમના વિભાગે આ અંગે તપાસ કરતાં કેમ્બ્રિજ એનાલિટિકાએ કરોડો વપરાશકારોના ડેટાનો અયોગ્ય રીતે કેવો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ આ મામલે અમેરિકાન અને યુરોપિયન યુનિયન દ્વારા ફેસબુકના CEOને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને આ અંગેના અનેક સવાલો તેમને પૂછવામાં આવ્યા હતા. તેના આધારે જે જવાબ મળ્યા તેને ધ્યાનમાં લઈને ફેસબુકને આર્થિક દંડ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, 590 બિલિયન ડોલરની કંપની માટે 5 લાખ પાઉન્ડનો દંડ એ કોઈ મોટી રકમ નથી.
એલિઝાબેથ ડેનહમે જણાવ્યું કે, જે રીતે ફેસબુક લોકોની માહિતીને લીક થતી બચાવવામાં નિષ્ફળ રહ્યું અને બીજા લોકોએ આવા ડેટાનો ઉપયોગ કરવા છતાં પારદર્શિતા નહીં દર્શાવીને કાયદાનો ભંગ કર્યો છે. તેથી ફેસબુક સામે કાર્યવાહી કરવી જરુરી બની ગયું છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર રોક લગાવી શકાય.