નવી દિલ્હીઃ ઈવીએમ સાથે છેડછાડનો દાવો કરનારા હેકર સૈયદ શુજાના પ્રયોગ બાદ ભારે હોબાળો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય ચૂંટણી આયોગે દિલ્હી પોલીસને એક પત્ર લખીને આ મામલે એફઆઈઆર નોંધાવવા અને મામલાની તપાસ કરવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે અમેરિકા બેઝ્ડ એક હેકર સૈયદ સુજાએ ગઈકાલે લંડનમાં એક ઈવેન્ટ દરમિયાન દાવો કર્યો હતો કે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ સાથે ચેડાં કરી શકાય છે.
સૈયદ સુજા ઈ ઈવેન્ટમાં સ્કાઈપ દ્વારા શામિલ થયો અને આ દરમિયાન તેણે પોતાની ઓળખ છુપાવવા માટે પોતાનો ચહેરો ઢાંકેલો રાખ્યો હતો. ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને સુજાના દાવાઓ પાછળ કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો આરોપ લાગ્યો છે. ભાજપે લંડનમાં થયેલી ઈવેન્ટમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલની ઉપસ્થિતિ પર પણ સવાલો ઉભા કર્યા છે.
હૈદર સુજાએ સોમવારના રોજ લંડનની એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડાં કરાયાં હતાં. સુજાએ કહ્યું કે તે ઈલેકટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ માટે કામ કરતો હતો. ભારતમાં અસુરક્ષિત મહેસૂસ થતા તેણે અમેરિકામાં શરણ માંગ્યું. હેકરે એ પણ દાવો કર્યો કે વરિષ્ઠ ભાજપા નેતા ગોપીનાથ મુંડે ઈવીએમમાં છેડછાડ મામલે કથિત રીતે નિવેદન કરવાના હતા અને એટલે જ તેમની હત્યા કરી દેવામાં આવી.
સૈયદ સુજાએ એપણ દાવો કર્યો કે વર્ષ 2017માં થયેલી પત્રકાર ગૌરી લંકેશની હત્યા પણ આના માટે કરવામાં આવી કારણ કે ગૌરી લંકેશ ઈવીએમમાં કથિત ગડબડી પર લખવાની હતી અને તેમણે આ મામલે એક આરટીઆઈ પણ દાખલ કરી હતી. જો કે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે સૈયદ સુજાએ પોતાની કોઈ વાતના પુરાવા રજૂ ન કર્યા.
સૈયદ સુજાના દાવાઓ બાદ પલટવાર કરતા ભાજપે જણાવ્યું કે લંડનમાં ઈવેન્ટનું આયોજન કરનારો વ્યક્તિ આશીષ રે છે જે એક સમર્પિત કોંગ્રેસી કાર્યકર્તા છે. ભાજપનો પક્ષ રાખતા કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે જ્યારે 2014ની લોકસભા ચૂંટણી યોજાઈ તે સમયે યૂપીએની સરકાર સત્તામાં હતી. રવિશંકર પ્રસાદે આ આખા મામલાને ભારતીય લોકતંત્રને બદનાર કરવાનું એક ષડયંત્ર ગણાવ્યું. તો ચૂંટણી આયોગે હેકરના દાવાઓ પર કહ્યું કે તે હજી પણ એ વાત પર કાયમ છે કે ઈવીએમ સાથે ચેડાં કરી શકાતાં નથી.