યુરોપમાં ફરી કોરોના-સંકટઃ અનેક દેશોમાં નવાં નિયંત્રણો

પેરિસઃ યુરોપીય દેશોએ કોરોના વાઇરસ રોગચાળાને પ્રસરતો અટકાવવા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે, જેથી સંપૂર્ણ યુરોપના બધા દેશોમાં કોરોનાના તાજા કેસો અને મોતની સંખ્યામાં પણ ઘટાડો લાવી શકાય. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલના તાજા ડેટા અનુસાર આ મહાદ્વીપમાં કુલ કેસો 43,10,247 છે અને મોતનો આંકડો વધીને 1,97,075એ પહોંચ્યો છે.

યુરોપનો સંક્રમણ દર 77 દિવસોથી વધી રહ્યો છે અને ગયા અઠવાડિયે 7,00,000થી વધુ નવા કોરોના વાઇરસના કેસો હતા, જેમાં સાપ્તાહિક રીતે 36 ટકાનો વધારો હતો.

મોટાં શહેરોમાં કરફ્યુ

યુરોપિયન દેશોમાં ફ્રાન્સ સૌથી વધુ રોગચાળાથી અસરગ્રસ્ત હતો. રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોને ગઈ કાલે જાહેરાત કરી હતી કે તાજેતરમાં કોરોના કેસોમાં આવેલા ઉછાળાને પગલે મોટાં શહેરોમાં કરફ્યુ લાગુ કરવામાં આવશે. આ કરફ્યુ આવતી કાલ મધરાતથી ચાર સપ્તાહ સુધી સવારે નવથી સાંજે છ કલાક સુધી પેરિસ રિજિયનમાં અને આઠ મોટાં શહેરોમાં ગ્રેનોબ્લ, લિલી, લિયોન, એક્સ-માર્સિલે. રુયન, ટુલૂસ, મોન્ટપેલિયર અને સેન્ટ-એટીન લાગુ કરવામાં આવશે, એમ ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું.

બાર અને જિમ બંધ

આ પ્રદેશો પહેલેથી વધુ એલર્ટ પર છે. આ સાથે બાર અને જિમ બંધ છે, થિયેટર અને રેસ્ટોરાં આકરા આરોગ્યના દિશા-નિર્દેશો હેઠળ છે. આ ઉપરાંત અહીં જાહેર સ્થળો જેવાં સમુદ્ર બીચો અને પાર્કોમાં 10થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. આ સાથે કર્ફ્યુનું ઉલ્લંઘન કરવાવાળી કોઈ પણ વ્યક્તિ પર 135 યુરોનો દંડ લગાવવામાં આવશે અને આરોગ્યની ઇમર્જન્સી સ્થિતિમાં અને રાત્રે કામ કરતી વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે.

હાલ ફ્રાન્સમાં કુલ 7,79,063 કોવિડ-19ના કેસો છે. ત્યાર પછી યુરોપનું સ્પેન 33,037 કેસો સાથે બીજા નંબરે છે. આ ઉપરાંત યુકેમાં નવી થ્રી-ટિયર કોવિડ-19ની અલર્ટની સિસ્ટમ સમગ્ર ઇંગ્લેન્ડમાં લાગુ કરવામાં આવી હતી. આ અલર્ટ સિસ્ટમ મુજબ મિડિયમ, હાઇ અને વેરી હાઇ સ્તરની સાથે સ્થાનિક સંક્રમણના દર અનુસાર નિર્ણય લેવામાં આવે છે.

બ્રિટનમાં અત્યાર સુધી કુલ 6,54,644 કોરોના વાઇરસના કેસો છે અને 43,155નાં મોત થયાં છે, જે યુરોપમાં સૌથી વધુ મોતનો આંકડો છે.

યુરોપમાં રોગચાળામાં  ઇટાલીમાં એકજ દિવસમાં 7300થી વધુ કેસ નોંધાયા છે, જેથી કુલ કેસોની સંખ્યા 3,72,799એ પહોંચી છે, જ્યારે મૃત્યુ આંક વધીને 36,289એ પહોંચ્યો છે. આ કેસોમાં ઉછાળા પછી વડા પ્રધાન ગિઉસેપ કોંટેએ વ્યક્તિઓને એકઠા થવા પર, સ્પોર્ટ્સ અને સ્કૂલની એક્ટિવિટીઝ પર નવી ડિક્રી પર હસ્તાક્ષર કર્યા હતા.

જોકે બાર્સ અને રેસ્ટોરાં તો હજી અડધી રાત સુધી ખુલ્લા રાખવાની મંજૂરી છે, પણ માત્ર ટેબલ સર્વિસ માટે જ,એમ NPR ન્યૂઝે જણાવ્યું હતું. જોકે સ્પેનના કેટાલોનિયન ક્ષેત્રમાં બધા બાર અને રેસ્ટોરાંને ઓન-પ્રિમાઇસિસ કામગીરી બંધ કરવાનો આદેશ છે. તેમણે કહ્યું હતું કે માત્ર આગામી 15 દિવસો માટે ચીજવસ્તુઓ વેચી શકાશે. શોપિંગ વિસ્તારો, થિયેટરો અને જિમે ઓછી ક્ષમતાએ કામ કરવાનું રહેશે, જ્યારે ચેક રિપબ્લિકે સ્કૂલ, રેસ્ટોરાં અને બાર બંધ કરી દીધા છે. આ ઉપરાંત નેધરલેન્ડે તો તાજેતરમાં આંશિક લોકડાઉન કર્યું છે.