વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની ત્રણ સૌથી મોટી ટેક કંપનીઓની સામે કેસ નોંધાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ (યુટ્યુબ), ફેસબુક અને ટ્વિટરની સામે કેસ નોંધાવ્યો છે. આ કંપનીઓના CEO પર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવાના અને સેન્સરશિપને લઈને કેસ નોંધવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ કંપનીઓએ ખોટી રીતે તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે કાયદાવિદોનું કહેવું છે કે આ કેસ કાયદાની સુરક્ષા જોતાં નિષ્ફળ જવાની સંભાવના છે.
ટ્રમ્પે બુધવારે ન્યુ જર્સીમાં એક સંવાદદાતા સંમેલનમાં કંપનીઓના ફેસબુક, ટ્વિટર અને ગૂગલ (યુટ્યુબ)ના માર્ક ઝુકરબર્ગ, જેક ડોરસે અને સુંદર પિચાઈ સામે કાર્યવાહી કરવાની ઘોષણા કરી હતી. જોકે ફેસબુક, ગૂગલ અને ટ્વિટરે આ મામલે કોઈ પ્ણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ટ્રમ્પ દ્વારા અમેરિકાની દક્ષિણ ફ્લોરિડાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સોશિયલ મિડિયા કંપનીઓ સામે કેસ દાખલ કર્યો હતો. તેમણે ડિસ્ટ્રિક્ટ કોર્ટથી આ કંપનીઓને અમેરિકી લોકોની ગેરકાયદે, શરમનાક સેન્સરશિપ પર તત્કાળ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવા માગ કરી હતી. અમે મોટી ટેકને એની જવાબદારીનું ભાન કરાવવા માગીએ છીએ. ટ્વિટર, ફેસબુક અને ગૂગલ બધી ખાનગી કંપનીઓ અને યુઝર્સે તેમનાં ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે તેમની શરતોને માનવી જ પડે છે.
આ વર્ષે છઠ્ઠી જાન્યુઆરી, 2021એ અમેરિકાની કેપિટલ હિલ પર હિંસા પછી ટ્વિટરે ટ્રમ્પનું એકાઉન્ટનું હંગામી ધોરણે બંધ કરી દીધું હતું. જોકે એ પછી પણ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી 2020માં નિવેદનબાજી જારી રાખી હતી. એ પછી આ કંપનીઓએ ટ્રમ્પની સામે મોટું પગલું ભરતાં સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરી દીધા હતા.