બિજીંગ- વર્ષ 2018ની પૂર્વસંધ્યા પર ચીનના પ્રેસિડેન્ટે દેશવાસીઓને નામ પોતાના સંદેશમાં કહ્યું હતું કે, ‘ચીન વિશ્વમાં શાંતિ સ્થાપવા કામ કરશે, વિશ્વના વિકાસમાં પોતાનું યોગદાન આપશે અને આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરશે’.જોકે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જિનપિંગના ભાષણમાં અને તેના વ્યવહારમાં કોઈ જ સમાનતા નથી. ભારતની સરહદો પર ભારતીય સૈન્યની ગતિવિધિને લઈને પણ ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. ડોકલામ જેવી ઘટનાઓ બાદ પણ ભારત અને ચીનના સંબંધોમાં સ્થિરતા નથી જોવા મળી રહી. જે સ્થિતિ સર્જાઈ રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે, આગામી સમયમાં બન્ને દેશ વચ્ચે ઉત્તરાખંડ સરહદ સહિત અનેક મોરચે ટકરાવની સ્થિતિ સર્જાઈ શકે છે.
ચીન એ વાતને પચાવી નથી શક્યું કે, ડોકલામ સેક્ટરમાં તેના દ્વારા રોડ બનાવવાના પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીની વેબસાઈટના જાણકારોએ જણાવ્યું છે કે, આ વખતે ચીનની તૈયારી પહેલા કરતાં વધુ મજબૂત છે.
ચીનના રાષ્ટ્રીય રક્ષામંત્રાલયના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભારતે તેની આર્મી પર કડક કંટ્રોલ મુકવો પડશે. તેણે કહ્યું કે, ચીન હવે આ પ્રકારના ટકરાવની સ્થિતિનો સામનો કરવા વધુ તૈયારી કરી રહ્યું છે. ઉપરાંત ચીનના રાષ્ટ્રીય રક્ષામંત્રાલયના પ્રવક્તાએ ભારત દ્વારા પોતાની જ સરહદમાં બનાવવામાં આવી રહેલા રસ્તાઓ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
ચીની જાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે, ભારત દ્વારા સરહદો પર પાકા રસ્તાનું નિર્માણ બન્ને દેશો વચ્ચે વધુ એક ટકરાવની સ્થિતિને નિમંત્રણ આપી શકે છે. વર્ષ 2018ની શરુઆતમાં કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહે ઉત્તરાખંડની નેલોંગ ઘાટીમાં ITBPના જવાનો સાથે મુલાકાત કરી હતી. જે અંગે પણ ચીનના અખબારે વિરોધ વ્યક્ત કર્યો હતો. આપને જણાવી દઈએ કે, રાજનાથ સિંહે તેની મુલાકાત દરમિયાન સરહદો પર રસ્તાનું નિર્માણ કાર્ય વધુ ઝડપથી કરવા જણાવ્યું હતું.