તેહરાન – ઈરાને કબજામાં લીધેલા બ્રિટિશ ઓઈલ ટેન્કર સ્ટેના ઈમ્પેરોનાં તમામ 23 ખલાસીઓ સુરક્ષિત છે અને એમની તબિયત પણ સારી છે એવું ઈરાનની પોર્ટ્સ એન્ડ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશનનાં વડાએ ઈરાનની સરકાર હસ્તકની ટીવી ચેનલને આજે જણાવ્યું હતું.
બ્રિટિશ યુદ્ધજહાજ દ્વારા રક્ષણ અપાયું હોવા છતાં ઈરાને ગયા શુક્રવારે તે ઓઈલ ટેન્કરને આટકાવ્યું હતું અને કાનૂની તપાસ માટે એને કાંઠે પહોંચવાની ફરજ પાડી હતી.
તે ટેન્કરમાં ભારતીય, રશિયન, લેટવિયન અને ફિલિપિન્સનું નાગરિકત્વ ધરાવતા ખલાસીઓ છે.
‘સ્ટેના ઈમ્પેરો’ એક સ્વિડીશ કંપની સ્ટેન બલ્કની માલિકીનું છે. આ ઓઈલ ટેન્કરમાં તેના કેપ્ટન તથા અન્ય 17 ખલાસીઓ, એમ 18 જણ ભારતીયો છે. આ તમામને મુક્ત કરવાની ભારત સરકારે ઈરાન સરકારને વિનંતી પણ કરી છે.
ભારતમાંની ઈરાની દૂતાવાસનું કહેવું છે કે ભારતીય ખલાસીઓનું ઈરાન રક્ષણ કરશે. તેથી ચિંતા કરવાની જરૂર નથી.
હોર્મુઝ સામુદ્રધુનિમાં ઈરાનના ઈસ્લામિક રીવોલ્યૂશન ગાર્ડ કોર્પ્સ (IRGC)નાં જવાનોએ તે ઓઈલ ટેન્કરને કબજામાં લીધું હતું. સામુદ્રધુનિમાંથી પસાર થતી વખતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ નિયમોનું પાલન કરવા બદલ ઈરાને ઓઈલ ટેન્કરને રોકી એને કબજામાં લીધું હતું.
IRGCના પ્રવક્તાએ કહ્યું કે બ્રિટિશ ઓઈલ ટેન્કરની હરકત યોગ્ય નહોતી, કારણ કે એણે ખોટી દિશા પકડતાં એ ભટકાઈ જવાનું જોખમ ઊભું થયું હતું. ઈરાન આ બાબતમાં કાયદાકીય રીતે પગલાં ભરી રહી છે અને ઓઈલ ટેન્કરને રોકવાનું તેનું પગલું અખાત તથા હોર્મુઝ સામુદ્રધુનિમાં ઈરાનના રાષ્ટ્રીય સાર્વભૌમત્વને અનુરૂપ છે.
બ્રિટનના વિદેશ પ્રધાન જેરેમી હન્ટને આ ગમ્યું નથી અને એમણે ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જાવેદ ઝરીફને ફોન કરી પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.