ઉત્તર કોરિયામાં આશરે 100 ટકા મતદાન, એક જ ઉમેદવાર લડે છે ચૂંટણી…

0
2798

નવી દિલ્હીઃ ઉત્તર કોરિયામાં સ્થાનીય ચૂંટણીમાં 100 ટકાની આસપાસ મતદાન નોંધાયું છે. ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉને પણ મતદાન કર્યું હતું. ઉત્તર કોરિયામાં ચૂંટણી વાત સાંભળીને ઘણા લોકો પરેશાન થઈ જાય છે. આપને જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં ચૂંટણી એક રાજનૈતિક રિવાજ માત્ર છે જેમાં ઉમેદવારોને કોઈપણ પ્રકારની પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડતો નથી. ચૂંટણી દ્વારા કિમ શાસન પ્રત્યે વફાદાર ઉમેદવાર બહુમત પ્રાપ્ત કરવાનો દાવો રજૂ કરી શકે છે.

આ વર્ષે ઉત્તર કોરિયામાં 99.98 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે જે વર્ષ 2015ના મુકાબલે 0.01 ટકા વધારે છે. પ્રાપ્ત વિગતો અનુસાર જે લોકો વિદેશી યાત્રા પર છે અથવા અન્ય દેશોમાં કામ કરી રહ્યા છે માત્ર તેઓ જ વોટ ન કરી શક્યા. ત્યાં સુધી કે વડિલો અને બીમારોએ પણ મોબાઈલ બેલેટ બોક્સ દ્વારા મતદાન કર્યું.

ઉત્તર કોરિયામાં દર 4 વર્ષે સ્થાનિય ચૂંટણી આયોજિત થાય છે જેમાં પ્રાંત, શહેર, અને વિધાનસભાઓ માટે પ્રતિનિધિઓ પસંદ કરવામાં આવે છે. એક રાજનૈતિક પાર્ટી વ્યવસ્થા વાળા ઉત્તર કોરિયામાં 99 ટકા મતદાતાઓએ વોટ કર્યા અને 99 ટકાએ નિર્વિરોધ ઉભા રહેલા ઉમેદવારોના પક્ષમાં મતદાન કર્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કિમ જોંગે ઉમેદવારોને પોતાના કર્તવ્યો પૂરા કરવા અને જનતાના વફાદાર સેવક બનવા માટે પ્રેરિત કર્યા છે.

કિમે ખુદ 2014માં સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી માટે ચૂંટણી લડી હતી અને તેમના પક્ષમાં 100 ટકા મત પડ્યા હતા. ઉત્તર કોરિયામાં વિચારધારાની કોઈ લડાઈ નથી અને ન તો ઉમેદવારો વચ્ચે કોઈપણ પ્રકારની પ્રતિસ્પર્ધા છે. વિશ્લેષકો અનુસાર ચૂંટણી માત્ર કેટલાક સમૃદ્ધ અને તાકાતવાર લોકો માટે હોય છે.

જાણકારો અનુસાર ઉત્તર કોરિયામાં 17 વર્ષની ઉંમરના નાગરિકો માટે મતદાન અનિવાર્ય છે. જે નાગરિક માત્ર વિદેશ યાત્રા પર છે તેમને જ આ મતદાનથી છૂટ મળે છે. મતદાન કેન્દ્રમાં જતા જ આપને એક પેપરશીટ મળે છે જેમાં માત્ર એક જ ઉમેદવારનું નામ હોય છે. પરંતુ ઉત્તર કોરિયામાં ચૂંટણી માત્ર એક ભ્રમ છે, વાસ્તવમાં અહીંયા લોકો પાસે કોઈ વિકલ્પ નથી હોતો. રાજ્ય દ્વારા ઉભા કરવામાં આવેલા ઉમેદવારના નામે ક્રોસ નિશાન લગાવવાની હિંમત કદાચ જ કોઈ નાગરિકમાં હોય છે. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે.