નેપાળનું એ દુર્ઘટનાગ્રસ્ત વિમાન અગાઉ કિંગફિશર-એરલાઈન્સનું હતું

કાઠમંડુઃ ગઈ કાલે નેપાળના પોખરા શહેરના એરપોર્ટ નજીક તમામ 72 પ્રવાસીઓનો જીવ લેનાર ભીષણ દુર્ઘટનાવાળું ATR-72 વિમાન અગાઉ શરાબ ઉદ્યોગના મહારથી વિજય માલ્યાની માલિકીની, પણ હાલ બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સ ઉપયોગ કરતી હતી.

યેતી એરલાઈન્સના તે કમનસીબ વિમાને ગઈ કાલે સવારે 10.30 વાગ્યે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઉડ્ડયન કર્યું હતું. એ પોખરા એરપોર્ટ પર ઉતરાણ કરવાની તૈયારીમાં જ હતું, અમુક જ મિનિટની વાર હતી ત્યારે નજીકના પહાડ પર અથડાયા બાદ નીચે વહેતી સેતી નદીના કિનારે તૂટી પડ્યું હતું. એમાં 68 પ્રવાસી અને ચાર ક્રૂ સભ્યો હતા. 68નાં મૃતદેહ મળ્યા છે, ચાર જણ હજી લાપતા છે. મૃતકોમાં 15 વિદેશીઓ હતા, અને એમાં પાંચ ભારતીય હતા.

વિમાન કાફલાને લગતી વિગતો એકત્ર કરતી વેબસાઈટ સિરિયમ ફ્લીટ્સ ડેટાના જણાવ્યાનુસાર, દુર્ઘટનાગ્રસ્ત વિમાન 2007માં કિંગફિશર એરલાઈન્સને ડિલિવર કરવામાં આવ્યું હતું. છ વર્ષ બાદ, એને થાઈલેન્ડની નોક એર કંપનીએ ખરીદ્યું હતું. 2019માં એને નેપાળની યેતી એરલાઈન્સે ખરીદ્યું હતું. નેપાળના એવિએશન ઉદ્યોગમાં આ પહેલી જ વાર ATR-72 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

એ ડબલ-એન્જિનવાળું ટર્બોપ્રોપ હોય છે. તેનું ઉત્પાદન ATR કંપનીએ ફ્રાન્સ-ઈટાલીમાં કર્યું હતું. ફ્રાન્સની એરોસ્પેશિએલ અને ઈટાલીની એરીટેલિઆ કંપનીઓના સંયુક્ત સાહસ દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. એમાં 72-સીટ હોવાથી એને ATR-72 નામ અપાયું હતું. નેપાળમાં બુદ્ધ એર અને યેતી એરલાઈન્સ ટૂંકા અંતરના પ્રવાસો માટે ATR-72 વિમાનનો ઉપયોગ કરે છે.

ગઈ કાલે થયેલી દુર્ઘટના માટે વિમાનના ભૂલભરેલા સંચાલન, વિમાનમાંની સિસ્ટમની કોઈ ટેકનિકલ ખામી કે પાઈલટનો થાક જેવા કારણો હોઈ શકે છે. વિસ્તૃત તપાસ ચાલે છે અને એ પૂરી થયા બાદ જ સાચું કારણ જાણવા મળશે. દુર્ઘટનાસ્થળેથી વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે.