ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હાલ તોફાનો થઈ રહ્યાં છે. બે આદિવાસી સમાજ એક નાના જમીનના ટુકડા માટે લડી રહ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં થયેલી અથડામણમાં 49 લોકોનાં મોત થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેકની સ્થિતિ એટલી ગંભીર છે કે મોતનો આંકડો વધી શકે છે. આ રમખાણોમાં નાની રેન્જની મિસાઇલો, મોર્ટાર, રોકેટ અને ઓટોમેટિક ગન સુધીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક પોલીસે પાંચ દિવસ પહેલાં જમીન વિવાદને લઈને બે જનજાતોની વચ્ચે અથડામણ થઈ હતી. આ તોફાનો પીવર, ટાંગી, બાલિશખેલ, ખાર, કલાય, મકબલ, કુંજ, અલીજઈ, પારા ચમકની અને કરમણ સહિત કેટલાય વિસ્તારો સુધી ફેલાયાં હતાં. બંને જૂથો અનેક ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે.
ખૈબરના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. અહીં એક જમીનના વિવાદને લઇને સામસામે હિંસા ફાટી નીકળી હતી અને હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. સુન્ની મુસ્લિમ મદગી અને શિયા માલી ખેલ આદિવાસીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, વર્ષો જૂના જમીનના વિવાદને લઇને આ બેઠક મળી હતી. બન્ને વચ્ચે મધ્યસ્થી કરાવી રહેલા એક કાઉન્સિલ પર એક શખસે ગોળીબાર કર્યો હતો ત્યારથી બન્ને વચ્ચે હિંસા ફાટી નીકળી છે.
એક પોલીસ અધિકારી મુર્તઝા હુસૈને કહ્યું હતું કે હાલ આ એક સ્થળેથી શરૂ થયેલો વિવાદ આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઈ ચૂક્યો છે અને સ્થિતિ તંગદિલ છે. ગઈ કાલે રાત્રે એકસાથે ચાર મોટા હુમલા થયા હતા. જેમાં સૌથી મોટી જાનહાનિ થઈ હતી. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષા દળો અને પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સુન્ની બહુમત દેશ છે કે જ્યાં શિયાઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.