બિજીંગ- ચીનના સૈન્ય વિશ્લેષકોએ દાવો કર્યો છે કે, ચીને નવી હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ DF-17નું નિર્માણ કર્યું છે. આ મિસાઈલ અમેરિકા અને ભારતની ડિફેન્સ સિસ્ટમને તોડી પાડવા સક્ષમ છે.
નવેમ્બર-2017માં કરાયા બે પરિક્ષણ
દક્ષિણ ચીનના એક અખબારે જાપાનના મેગેઝિનમાં રિપોર્ટ આવ્યા બાદ એ દાવો કર્યો છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા નવેમ્બર 2017માં હાઈપરસોનિક ગ્લાઈડેડ વ્હીકલ (HGV) મિસાઈલના બે પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. આ મિસાઈલને DF-17 નામથી પણ ઓળખવામાં આવે છે. આ હાઈપરસોનિક મિસાઈલ 7680 માઈલ પ્રતિ કલાકની ઝડપે ગતિ કરવામાં સક્ષમ છે. ચીની અધિકારીએ જણાવ્યું કે, પરિક્ષણ દરમિયાન મિસાઈલે 1400 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું.
જોકે આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે તેમની પ્રતિક્રિયા આપવાથી ઈનકાર કર્યો હતો અને કહ્યું કે, આ ડિફેન્સનો મામલો છે જેથી આ અંગે ડિફેન્સ મિનિસ્ટ્રી જવાબ આપશે.
શું છે હાઈપરસોનિક ગ્લાઈડેડ વ્હીકલ? (HGV)
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે HGVને રોકેટથી લૉન્ચ કરવામાં આવે છે. જેને આસાનીથી મૂવ કરી શકાય છે. ઉપરાંત પૃથ્વીના વાતાવરણમાં આ મિસાઈલ વધુ ઝડપથી ગતિ મેળવી શકે છે. પરંપરાગત બેલેસ્ટિક મિસાઈલની સરખામણીમાં HGV ઘણી વધુ ઝડપથી ગતિ કરવા અને નિર્ધારિત ટાર્ગેટ સુધી પહોંચવા સક્ષમ છે.