અમેરિકા દ્વારા મદદ રોકવા છતાં ફાયદામાં રહેશે પાકિસ્તાન

વોશિંગ્ટન- અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક સહાય પર રોક લગાવી છે. કારણ દર્શાવતા અમેરિકાએ જણાવ્યું કે, પાકિસ્તાન અમેરિકા પાસેથી મદદ લઈને તેનો ઉપયોગ પોતાની ધરતી પર આતંકીઓને આશ્રય આપવામાં કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા એક ટ્વીટમાં તેણે પાકિસ્તાનને દગાબાજ અને જૂઠ્ઠું ગણાવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, અમેરિકાએ પાકિસ્તાનને આપવાની 25 કરોડ 50 લાખ ડોલરની સૈન્ય સહાય પર રોક લગાવી છે. હવે જોવાનું એ રહેશે કે અમેરિકાએ સહાય અટકાવી તેની પાકિસ્તાન પર કેટલી વિપરીત અસર થશે. જોકે વર્તમાન સ્થિતિ જોતાં એવું લાગે છે કે, અમેરિકા દ્વારા સહાય અટકાવવાથી પાકિસ્તાનને કોઈ જ ફર્ક પડશે નહીં.

આંકડાઓ પર નજર કરીએ તો, બરાક ઓબામાના શાશનકાળ દરમિયાન જ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પર કાપ મુકવાની શરુઆત કરી દીધી હતી. સાત વર્ષ પહેલા એટલે કે વર્ષ 2010માં અમેરિકાએ પાકિસ્તાનને સુરક્ષા માટે 1.24 અબજ ડોલરની સહાય કરી હતી. વર્ષ 2016 સુધીમાં આ મદદ ઘટીને 31 કરોડ 60 લાખ ડોલર કરવામાં આવી હતી. આ વખતે ટ્રમ્પ સરકારે જે 25 કરોડ 50 લાખ ડોલરની સહાય પર રોક લગાવી છે તે ગત વખતની સહાય કરતાં પણ ઓછી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ જણાવ્યું કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની આર્થિક સહાય રોકવા માટે પુરી રીતે તૈયાર છે. ઉપરાંત પાકિસ્તાનને આપવામાં આવતી અન્ય તમામ સહાયના રસ્તાઓ પણ બંધ કરવા માગે છે. બીજી તરફ અમેરિકા દ્વારા સહાય અટકાવ્યા બાદ પાકિસ્તાન હવે ચીનની વધુ નજીક જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ચીને દરેક મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો છે. અને અત્યારે પણ સામેથી મળેલી તકને ચીન જતી કરવા ઈચ્છશે નહીં.

વર્તમાન સમયમાં ચીન એક એવો દેશ છે જે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અમેરિકાને ટક્કર આપી શકે છે. જેથી કહી શકાય કે, અમેરિકાના પ્રતિબંધની પાકિસ્તાન પર કોઈ જ અસર થશે નહીં. પરંતુ પાકિસ્તાનના ‘બન્ને હાથમાં લાડવો’ જેવી સ્થિતિ સર્જાશે. એક તો પાકિસ્તાન અમેરિકાના દબાણમાંથી મુક્ત થશે, બીજું કે પાકિસ્તાનને પોતાની ધરતી પર આતંકવાદને રોકવાની મનાઈ કરનારું કોઈ નહીં હોય. ચીન પાકિસ્તાનને આતંકવાદ પર રોક લગાવવા ક્યારેય કહેશે નહીં કારણકે પાકિસ્તાનના આતંકીઓનો ઉપયોગ ચીન ભારત વિરુદ્ધ કરે છે.