ચીને તેના સ્પેસ લેબ પરથી ગુમાવ્યો કંટ્રોલ, પૃથ્વી પર થશે ક્રેશ લેન્ડિંગ

બિજીંગ- ચીને વર્ષ 2011માં લૉન્ચ કરેલું સ્પેસ લેબ Tiangong-1 આ વર્ષે માર્ચ મહિનામાં પૃથ્વી પર ક્રેશ લેન્ડ કરી શકે છે. એક અંગ્રેજી સમાચાર ચેનલના જણાવ્યા મુજબ ચીનના વૈજ્ઞાનિકો તેના સ્પેસ લેબ Tiangong-1 પરથી નિયંત્રણ ગુમાવી ચુક્યાં છે.

ઉપરાંત એ પણ નિશ્ચિત નથી જણાવી શકતાં કે સ્પેસ લેબ કઈ જગ્યા પર ક્રેશ લેન્ડ કરશે. આ સ્પેસ લેબના ક્રેશ લેન્ડિંગની સાથે જ ચીનનો એ દાવો પણ પોકળ સાબિત થશે જેમાં ચીન પોતાને ‘સ્પેસ સુપર પાવર’ ગણાવી રહ્યું હતું.

અંતરિક્ષ મામલાના જાણકારોના જણાવ્યા મુજબ આ સ્પેસ લેબનો કાટમાળ માનવ વસાહત પર પડવાની શક્યતાઓ નહીંવત છે અને તે કોઈ મોટું જોખમી પુરવાર થશે નહીં. વૈજ્ઞાનિકોના મતે જૂના થઈ ગયેલા કૃત્રિમ ઉપગ્રહો અને અન્ય સ્પેસ લેબનો કાટમાળ પૃથ્વી ઉપર પડવો તે સામાન્ય બાબત છે. દર વર્ષે આવા અનેક ટુકડાઓ પૃથ્વી પર પડતા હોય છે. જોકે સ્પેસ લેબ જેવી મોટી વસ્તુઓ પૃથ્વી પર પડે અને તે પણ અનિયંત્રીત થઈને પડે તે ચિંતાનો વિષય કહી શકાય.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતાની સાથે જ સ્પેસ લેબનો ઘણોખરો ભાગ બળીને નાશ પામશે અને જે બાકી બચશે તે દરિયામાં પડીને ડૂબી જશે. ખગોળ વૈજ્ઞાનિક જોનાથન મૈકવૈલના જણાવ્યા પ્રમાણે ખરાબ સ્થિતિ ત્યારે સર્જાઈ શકે છે જ્યારે માનવવસ્તીમાં જ સ્પેસ લેબનું ક્રેશ લેન્ડિંગ થાય. જોકે ગત 60 વર્ષોનો ઈતિહાસ તપાસીએ તો, પૃથ્વી પર પડતો દરેક કાટમાળ વાતાવરણમાં પ્રવેશતા જ બળીને નાશ પામ્યો છે.

આપને જણાવી દઈએ કે, સ્પેસ લેબ Tiangong-1ને ચીને સપ્ટેમ્બર-2011માં લૉન્ચ કર્યું હતું. જેણે 16 માર્ચ 2016થી કામ કરવાનું બંધ કર્યું હતું. જેના ઓફલાઈન થયા બાદ 6 મહિના પછી ચીને Tiangong-2ને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યું હતું. ચીનનો ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં અંતરિક્ષમાં 20 ટન વજનનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનું છે.