તો પાકિસ્તાન બીજું નોર્થ કોરિયા બનશે: અમેરિકા

વોશિંગ્ટન- અમેરિકાએ પાકિસ્તાનને તેના બેવડા વલણ અંગે વધુ એકવાર ફટકાર લગાવતા સખત શબ્દોમાં ચેતવણી આપી છે. અમેરિકાના નેશનલ સિક્યોરિટી જનરલ મેકમાસ્ટરે જણાવ્યું છે કે, પાકિસ્તાનના બેવડા વલણ અને સોદાબાજીથી પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને અમેરિકા પણ હવે કંટાળી ગયું છે. પાકિસ્તાન આતંકવાદને સરકારી નીતિ બનાવી ચુક્યું છે અને આતંકવાદીઓ ઉપર મર્યાદિત કાર્યવાહી કરી રહ્યું છે.

અમેરિકાની સેનાના પૂર્વ જનરલ મેકમાસ્ટરે વોઈસ ઓફ અમેરિકાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘જો પાકિસ્તાન તેની પરમાણુ તાકાત અંગે બ્લેકમેઈલ કરવાનું શરુ કરશે તો તે બીજું નોર્થ કોરિયા બની જશે’.

વધુમાં તેમણે કહ્યું કે, અમેરિકાના પ્રેસિડેન્ટ દ્વારા પાકિસ્તાન માટે જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેનાથી સમજી શકાય કે, સ્થિતિ શું છે? આપને જણાવી દઈએ કે, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેના ટ્વીટમાં કહ્યું હતું કે, પાકિસ્તાન એક જુઠ્ઠો અને દગાબાજ દેશ છે. જે અમેરિકા પાસેથી સહાયતા મેળવવા છતાં આતંકીઓ પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો. જેથી હવે અમેરિકા દ્વારા પાકિસ્તાનને સહાયતા આપવામાં આવશે નહીં.

મેકમાસ્ટરે કહ્યું કે, પાકિસ્તાને અમેરિકાની મિત્રતા સાથે તો વિશ્વાસઘાત કર્યો જ છે, ઉપરાંત પોતાના જ દેશના નાગરિકો સાથે પણ પાકિસ્તાન દગો કરી રહ્યું છે. પાકિસ્તાન તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકીઓને સુરક્ષિત આશ્રય આપવાનું કામ કરી રહ્યું છે. જ્યારે સત્ય એ છે કે, આ આતંકીઓ પાકિસ્તાનના જ અનેક વિસ્તારોને નર્ક બનાવવાનું કામ કરી રહ્યાં છે.