બિજીંગ- અમેરિકા દ્વારા વ્યાપાર વિવાદોમાં અપનાવવામાં આવેલા એકતરફી વલણને કારણે ઉદભવેલા સંરક્ષણવાદનો મુકાબલો કરવા ભારત અને ચીને પરસ્પર સહયોગ વધારવાની જરુર છે. ઉપરોક્ત વાત ચીનના દૂતાવાસ દ્વારા જણાવવામાં આવી છે.ભારતમાં ચીનના દૂતાવાસના પ્રવક્તા કાઉન્સિલર જી રોન્ગે જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને યોગ્ય વેપારના નામે એકતરફી વેપારમાં સંરક્ષણવાદથી ચીનની આર્થિક વૃદ્ધિ પ્રભાવિત થઈ રહી છે, સાથે જ ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના માર્ગમાં પણ અવરોધ ઉભા થઈ રહ્યાં છે.
જી રોન્ગે જણાવ્યું કે, બે સૌથી મોટી વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થા ભારત અને ચીન સુધારના મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે. બન્નેને એક સ્થિર અને બહારના વાતાવરણની જરુર છે. ઉલ્લેખનીય છે કે, તેમને ચીન અને અમેરિકા વચ્ચેના વ્યાપાર વિવાદ અંગે પુછવામાં આવ્યા બાદ તેમણે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
આપને જણાવી દઈએ કે, ગત મહિને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત કરવામાં આવતા 200 અબજ ડોલરના સામાન પર વધારાની ડ્યૂટી લાગૂ કરી હતી. જવાબમાં ચીને પણ અમેરિકાના 60 અબજ ડોલરના આયાતી સામાન ઉપર ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી હતી.
આ સ્થિતિમાં ચીનના દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું કે, વર્તમાન સ્થિતિમાં ચીન અને ભારતે પરસ્પર સહયોગ વધારે મજબૂત કરવાની જરુર છે જેથી વ્યાપારમાં સંરક્ષણવાદનો મુકાબલો કરી શકાય.