પાકિસ્તાને ચીનને લીઝ પર આપી રણની જમીન, ભારતીય સરહદ નજીક બનાવશે પ્રોજેક્ટ

ઈસ્લામાબાદ- પાકિસ્તાને ફરી એકવાર સરહદી વિસ્તારમાં અસુરક્ષાની ભાવના ઉદભવે તેવું કામ કર્યું છે. પાકિસ્તાને ચીન દ્વારા પાકિસ્તાનમાં કાર્યરત એક કંપનીને ભારત સાથેની કચ્છના રણની સરહદે 95 વર્ગ કિલોમીટરની જમીન ચીનને લીઝ પર આપી છે. પાકિસ્તાનના આ પગલાંને ભારતીય સુરક્ષા અને કચ્છ સરહદ માટે જોખમરુપ માનવામાં આવી રહ્યું છે.

ચીન આ પહેલા પણ થરપાકર વિસ્તારમાં કોલસાની ખાણ અને પાવર પ્રોજેક્ટ લગાવી ચૂક્યું છે. આ વિસ્તાર ભારતીય સરહદથી આશરે 40 કિમી દૂર આવેલો છે. જ્યારે કચ્છના રણ પાસે આવેલો બીજો પ્રોજેક્ટ ભારતીય સરહદથી માત્ર 10 કિમી દૂર આવેલો છે.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ યુદ્ધ અથવા અન્ય કોઈ વિપરિત સ્થિતિમાં ચીન અને પાકિસ્તાન દ્વારા આ પ્રોજેક્ટ પર આર્મી બેઝ બનાવતા વધુ સમય ન લાગે અને ભારતને ઘેરવા માટે આ જગ્યાનો ઉપયોગ કરી શકાય. વધુમાં આ જગ્યા પર પાકિસ્તાન સુરંગ બનાવી રહ્યું છે. જે પણ ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર સેટેલાઈટ દ્વારા જે ઈમેજ મેકલવામાં આવી છે તે ઘણી જ ચિંતાજનક છે. 28 ઓક્ટોબર 2017ના રોજ લેવામાં આવેલી આ ઈમેજમાં બતાવવામાં આવ્યું છે કે, થરપાકર પ્રોજેક્ટનું કામ 70 ટકા જેટલું પુરું કરી લેવામાં આવ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની (CPEC) સમજૂતી અંતર્ગત પાકિસ્તાને તેના ઘણા મુદ્દાઓમાં બદલાવ કર્યો છે. CPEC માટે પાકિસ્તાને પોતાની નીતિ ચીનને અનુરુપ કરી છે. થરપાકરની કોલસા ખાણનો પ્રોજેક્ટ પણ આ જ યોજનાનો ભાગ છે.