બિજીંગ- ભારતને ભીંસમાં લેવા ચીન દરેક પ્રકારના ઉપાયો અજમાવી રહ્યું છે. હવે ચીને બ્રહ્મપુત્ર નદી અંગે નવો પ્લાન તૈયાર કર્યો છે. બ્રહ્મપુત્ર નદીનું વહેણ બદલવા ચીન વિશ્વની અત્યાર સુધીની સૌથી લાંબી 1000 કિલોમીટર લાંબી ટનલ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે. આ ટનલ દ્વારા બ્રહ્મપુત્ર નદીના વહેણને તિબેટથી જિનજિયાંગ તરફ વાળવાની ચીનની યોજના છે. જો ચીન આ યોજનાને અમલમાં મુકે તો ભારત ઉપર તેની વિપરીત અસર પડી શકે છે.
ચીની એન્જિનિયરોએ પોતાનો પ્લાન માર્ચ 2017માં જિનપીંગ સરકારને સોંપ્યો હતો પરંતુ હજીસુધી જિનપીંગે આ અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટમાં એક કિલોમીટરની ટનલ બનાવવા માટે એક અબજ યુઆનનો ખર્ચ આવવાનો અંદાજ છે. એટલે કહી શકાય કે, 1000 કિમીની ટનલ બનાવવામાં 1 ટ્રિલિયન યુઆન જેટલું બજેટ ખર્ચાઈ શકે છે.
જો ચીન સરકાર આ ટનલ નિર્માણને મંજૂરી આપે તો ભારત અને બાંગ્લાદેશ ઉપર તેની વ્યાપક અસર થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, ચીન લિયોનિંગ પ્રોવિંસના વોટર પ્રોજેક્ટ અંતર્ગત 85 કિલોમીટર લાંબી દાહૂઓફાંગ ટનલ બનાવી ચૂક્યું છે. જે તેની અત્યાર સુધીની સૌથી લાંબી સુરંગ છે. જોકે પાણી સપ્લાઈ કરતી અત્યાર સુધીની વિશ્વની 137 કિલોમીટર સૌથી લાંબી ટનલ ન્યૂયોર્કમાં આવેલી છે.