આતંકી મસૂદ અઝહરને બચાવવા ચીનની વધુ એક ચાલ

બિજીંગ- આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં (UN) વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાના ભારતના પ્રયાસોને નિષ્ફળ બનાવવા ચીન સતત પ્રયાસ કરી રહ્યું છે. આમ કરવામાં તે સતત નવા નવા પ્રયાસો કરી રહ્યું છે. હવે તો ચીન સરાજાહેર તેના આ અતાર્કિક વલણનો બચાવ પણ કરવા લાગ્યું છે.ચીને કહ્યું કે, આ મુદ્દે ભારત અન પાકિસ્તાન સહિત સુરક્ષા પરિષદના અન્ય સદસ્ય દેશો વચ્ચે પણ સહમતી બની શકી નથી. મસુદ અઝહર વર્ષ 2016માં કશ્મીરમાં ઉરીના સૈન્ય ઠેકાણા પર હુમલા સહિત ભારતમાં અનેક આતંકવાદી હુમલાનો આરોપી છે. આપને જણાવી દઈએ કે, ઉરી હુમલામાં ભારતીય સેનાના 17 જવાન શહીદ થયા હતાં.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટોનો અધિકાર ધરાવતા સ્થાયી સદસ્ય ચીને સુરક્ષા પરિષદની અલ-કાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસુદ અઝહરને આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં સતત અવરોધો ઉભા કર્યા છે.

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનું સમર્થન મળેલું છે. ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન  જૈશ-એ-મોહમ્મદની સ્થાપના મસુદ અઝહરે કરી હતી અને આ સંગઠનને પહેલા જ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત આતંકી સંગઠનોની યાદીમાં મુકવામાં આવ્યું છે.

ચીનના વિદેશ પ્રધાને અમેરિકી થિંક ટેંક કાઉંસિલ ઓફ ફોરેન રિલેશન્સના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો બધા જ પક્ષોમાં સહમતી સધાઈ જાય તો ચીન તેનું સમર્થન કરશે. પરંતુ જે પણ તેનાથી સીધા સંબંધીત છે તેઓ સમહતી પર નથી પહોંચી શકતા.

વધુમાં તેણે કહ્યું કે, પ્રત્યક્ષરુપે સંબંધિત પક્ષ સામાન્ય સહમતી બનાવવામાં સક્ષમ હોય તો અમે સાથે મળીને આ પ્રક્રિયા આગળ ધપાવીશું. આ જ આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને અમે આ મુદ્દે ભારત સાથે સીધા સંપર્કમાં છીએ. આ મામલે ટૂંક સમયમાં જ સહમતી સધાય તેવી શક્યતા છે અને અમે સાથે મળીને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં યોગદાન આપી શકીએ છીએ.

વાંગ યીએ ભારત દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને અધુરા ગણાવ્યા હતા અને કહ્યું કે, સચોટ પુરાવાઓ અને તથ્યો હોવા જોઈએ. જો નક્કર પુરાવાઓ હશે તો તેને કોઈ નકારી નહીં શકે. ‘મને લાગે છે કે, પાકિસ્તાન પણ તેનો સ્વીકાર કરશે’.