નવી દિલ્હીઃ સામરિક દ્રષ્ટીથી મહત્વપૂર્ણ મનાતા ઈરાનના દક્ષિણ-પૂર્વ તટ પર સ્થિત ચાબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતે સંભાળી લીધી છે. ચાબહાર પોર્ટને લઈને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વ્યાપાર સહિતના મુદ્દાઓ પર રાજી થઈ ગયા છે. આને સામરિક દ્રષ્ટિથી પાકિસ્તાન અને ચીન માટે ભારતનો જડબાતોડ જવાબ માનવામાં આવી રહ્યો છે.
1947માં દેશના વિભાજન બાદ આખા મધ્ય-પૂર્વ, મધ્ય એશિયા અને યૂરોપથી ભૌગોલિક રીતે અલગ થયેલા ભારતે આ દૂરીને ખતમ કરવાની દિશામાં અત્યારસુધીની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન ત્રણેય દેશોની ચાબહાર સમુઝુતીના ક્રિયાન્વયન સંબંધિત સમિતિની ગત દિવસોમાં ચાબહારમાં પહેલી બેઠક થઈ હતી. આ દરમિયાન ઈરાને સંચાલનની કમાન ભારતને સોંપી હતી.
આ પોર્ટના વિકાસ માટે 2003માં જ સમજુતી થઈ ગઈ હતી. ચાબહાર પોર્ટ ભારત માટે સામરિક અને વ્યાપારી બંન્ને દ્રષ્ટીએ મહત્વપૂર્ણ છે. આના બન્યા બાદ સમુદ્રી રસ્તાથી ભારત ઈરાનમાં દાખલ થઈ જશે અને આના દ્વારા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધીના બજારમાં ભારતીય કંપનીઓ અને વ્યાપારીઓના રસ્તા ખુલ્લા થઈ જશે.
આ રીતે ભારત હવે પાકિસ્તાન ગયા વગર જ અફઘાનિસ્તાન અને તેનાથી રશિયા અને યૂરોપ સાથે જોડાઈ જશે. કંડલા અને ચાબહાર પોર્ટ વચ્ચેનું અંતર દિલ્હી અને મુંબઈ વચ્ચેના અંતર કરતા પણ ઓછું છે. એટલા માટે આ સમજૂતીથી ભારતને પહેલા વસ્તુઓ ઈરાન સુધી તેજીથી પહોંચાડવા અને પછી નવા રેલ અને રોડ માર્ગ દ્વારા અફઘાનિસ્તાન લઈ જવામાં મદદ પ્રાપ્ત થશે. ઈરાનના દક્ષિણી તટ પર સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત ચાબહાર પોર્ટ ભારત માટે રણનૈતિક રીતે ઉપયોગી છે. આ ફારસની ખાડીની બહાર છે અને ભારતના પશ્ચિમી તટથી અહીંયા સરળતાથી પહોંચી શકાય છે.
ભારત અને ઈરાન વચ્ચે સારા વ્યાપારિક સંબંધો છે. ચીન બાદ ભારત ઈરાનના તેલનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. ચાબહાર પોર્ટથી ઈરાનના વર્તમાન રોડ નેટવર્કને અફઘાનિસ્તાનમાં જરાંજ સુધી જોડી શકાય છે જે પોર્ટથી 883 કિલોમીટર દૂર છે. ભારત પહેલા જ ઈરાન-અફઘાનિસ્તાન સીમા પર નરાંજથી ડેલારામના 218 કિલોમીટર લાંબા રોડને આતંકી ખોફ વચ્ચે બનાવી ચૂક્યું છે. તો આ સાથે જ ચાબહારથી જાહેદાન સુધી રેલમાર્ગ બનાવવા માટે ભારતને જાપાને આર્થિક મદદનો પણ ભરોસો આપ્યો છે. ભારત દ્વારા નિર્મિત જરાંજ ડેલારામ રોડ દ્વારા અફઘાનિસ્તાનના ગારલેન્ડ હાઈવે સુધી આવાગમન સરળ બની જશે.
આ હાઈવેથી અફઘાનિસ્તાનના ચાર મોટા શહેરો હેરાત, કંધાર, કાબુલ અને મજાર એ શરીફ સુધી રોડ દ્વારા પહોંચવું સરળ છે. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ દ્વારા ચીને ભારતને ઘેરવાના પ્રયત્નો કર્યા હતા. ચીનને લાગતું હતું કે તે ગ્વાદર દ્વારા યૂરોપના દેશો સુધી ભારતની પહોંચને રોકવામાં સફળ રહેશે પરંતુ ઈરાનમાં ચાબહાર દ્વારા ભારતે ચીનની મનશાને નાકામ કરી દીધી છે. ભારતની ભૂ-રાજનૈતિક સ્થિતી વિશિષ્ટ છે. ભારત એશિયાઈ વૃત્ત ચાપના કેન્દ્રમાં સ્થિત છે જ્યાંથી એશિયાની રાજનીતિને સંચાલિત અને પ્રભાવિત કરી શકાય છે. આ જ કારણ છે કે ટ્રમ્પે એશિયા યાત્રા દરમિયાન એશિયા પ્રશાંતના સ્થાન પર ઈન્ડિયા પ્રશાંત ક્ષેત્ર શબ્દનો પ્રયોગ કર્યો.
અમેરિકા સાથે મળીને હિંદ મહાસાગરમાં તો ભારત સામરિક અને વ્યાપારિક દ્રષ્ટીથી લાભપ્રદ સ્થિતીમાં છે જ પરંતુ ભૂમિબદ્ધ મધ્ય એશિયા અને પૂર્વ એશિયાથી ભારતનો સંપર્ક ચીન અને પાકિસ્તાનની ઘેરાબંધીના કારણે પ્રાયઃ અવરુદ્ધ જ રહ્યો.
ગ્વાદર પોર્ટ ચીનને મધ્ય-પૂર્વ એશિયામાં પ્રવેશની સુવિધા આપે છે. ગ્વાદર પોર્ટ પર વધી રહેલી હલચલો ભારત માટે શુભ નથી કારણ કે ચીન અહીંયા પોતાનું સાગરીય સામરિક સંચાલન કેન્દ્ર પણ વિકસિત કરી રહ્યું છે. ત્યારે આવામાં ભારત માટે ચાબહાર પોર્ટના મહત્વને સમજી શકાય છે. ચાબહાર પોર્ટ ગ્વાદર પોર્ટથી માત્ર 72 કિલોમીટરની દૂરી પર છે તેની સામરિક ભૂ-રાજનૈતિક સ્થિતી ગ્વાદરથી વધારે સારી છે. મધ્ય એશિયાથી ભૌતિક રુપે સક્રિય જોડાણની ભારતની ઈચ્છાને ત્યારે બળ પ્રાપ્ત થયું કે જ્યારે ક્ષેત્રના બે પ્રમુખ દેશ તુર્કમેનિસ્તાન અને કઝાખસ્તાને તાજેતરમાં જ એક રેલમાર્ગનું ઉદઘાટન કર્યું કે જે ઈરાન સાથે જોડાય છે.
ચાબહાર પોર્ટથી ભારતના મધ્ય એશિયા સંપર્કનો અવરોધ તો તુટશે પરંતુ સાથે જ હિંદ મહાસાગરમાં ભારતને ઘેરવાની ચીનની નીતિ અને તેના એકતરફી વન બેલ્ટ વન રોડને થોપવાના પ્રયાસોને પણ ઝાટકો લાગશે. ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે વ્યાપારિક સાંસ્કૃતિક સંબંધોની નવી શ્રૃંખલા શરુ થશે. આનાથી આ ક્ષેત્રમાં પાકિસ્તાન અને ચીનનો દબદબો શાંત થશે. આમાં જો મધ્ય એશિયાના દેશોને જોડી લઈએ તો પછી આ પ્રસ્તાવના વધારે લોભામણી થઈ જાય છે.