કિમ જોંગના નવા તેવર, અમેરિકાએ દબાણનું વલણ બદલવું પડશે

નવી દિલ્હીઃ વર્ષ 2019ની શરુઆત થઈ ગઈ છે. ત્યારે ગત વર્ષે સૌથી મોટી ઘટનાઓ પૈકી એક ઘટના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની મુલાકાત રહી. દુનિયાએ આ મુલાકાતનું સ્વાગત કર્યું. પરંતુ વર્ષ 2019 આવતા જ કિમ જોંગ ઉનના તેવર કંઈક બદલાયેલા નજરે પડી રહ્યા છે. કિમે ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમેરિકા સાથે અમે વાત કરવા તૈયાર છીએ પરંતુ તેમણે પોતાનું વલણ બદલવું પડશે.

કિમ જોંગ ઉને કહ્યું છે કે અમે વર્ષ 2019માં પણ અમેરિકા સાથે વાત કરવા માટે તૈયાર છીએ. પરંતુ આનો અર્થ એ નથી કે અમે કોઈ દબાણમાં છીએ. તેમણે જણાવ્યું કે અમેરિકા અમારા પર દબાણ બનાવવાના વલણને બદલી નાંખે. કોઈપણ પ્રકારના સેંક્શન અને દબાણ બનાવીને અમેરિકા નોર્થ કોરિયાના સંયમની પરીક્ષા ન લે.

પોતાના દેશને સંબોધિત કરતા કિમ જોંગ ઉને જણાવ્યું કે મારી અને ટ્રમ્પની મુલાકાતને આખી દુનિયાએ આવકારી છે. પરંતુ હજી પણ અમે અમારી મરજીથી નિર્ણય લેવા માટે તૈયાર છીએ. જો અમેરિકા સતત દબાણ કરતું રહેશે તો તે યોગ્ય નહી ગણાય અને અમે કોઈના દબાણમાં આવીશું પણ નહી.

કિમ જોંગે અપિલ કરી છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ સંયુક્ત સૈન્ય અભ્યાસ બંધ કરી દેવો જોઈએ. કિમ જોંગ ઉને જણાવ્યું કે તેમણે દક્ષિણ કોરિયા સાથે પણ સંબંધો સુધાર્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 12 જૂનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં મુલાકાત થઈ હતી. અમેરિકાએ દબાણ બનાવ્યું હતું કે નોર્થ કોરિયાને પોતાના પરમાણુ હથિયારોને નષ્ટ કરી દેવા જોઈએ અને ત્યારબાદ ઉત્તર કોરિયાએ આ દિશામાં ઘણું કામ પણ કર્યું જેની આખી દુનિયામાં વાહવાહી થઈ હતી.