ખામીયુક્ત ધાર્મિક સ્વતંત્રતાવાળા અમેરિકા રિપોર્ટને કેન્દ્રએ ફગાવ્યો

નવી દિલ્હીઃ ભારતે ધાર્મિક સ્વતંત્રતાના વિષય પર અમેરિકી વિદેશ વિભાગના એ રિપોર્ટને મંગળવારે પક્ષપાતપૂર્ણ ગણાવીને ફગાવી દીધો હતો, જેમાં અલ્પસંખ્યકો પર કથિત હુમલાને લઈને ભારતની ટીકા થઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે આવો રિપોર્ટ ખોટી સૂચના અને ત્રુટિપૂર્ણ સમજ પર આધારિત હોય છે. અમેરિકી વિદેશ વિભાગના એ વાર્ષિક રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકો પર કથિત હુમલાઓને સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા અને એવી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી વિદેશ વિભાગના 2022ની રિપોર્ટથી માહિતગાર છીએ, પણ અફસોસની વાત છે કે આ પ્રકારનો રિપોર્ટ હજી પણ ખોટી માહિતી અને ખોટી સમજ પર આધારિત છે.

વિદેશપ્રધાન એન્થની બ્લિંકન દ્વારા રિપોર્ટ જારી કર્યા પછી આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા ઓફિસના એમ્બેસેડર રાશદ હુસેને વોશિંગ્ટનમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે કેટલીય સરકારો પોતાની હદની અંદર અમુક સમુદાયોના સભ્યોને નિશાન બનાવવાનું જારી રાખે છે. તેમણે કહ્યું હતું કે રિપોર્ટ વિશ્વભરના આશરે 200 દેશો અને પ્રદેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ વિશે એક તથ્ય આધારિત વ્યાપક દ્રષ્ટિકોણ આપે છે.