લંડનઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ બ્રિટનની સંસદમાં બ્રેક્સિટ મુદ્દા પર વારંવાર હારનો સામનો કર્યા બાદ પોતાનું રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ સત્તારુઢ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાના રુપમાં સાત જૂનના રોજ પોતાનું પદ છોડશે. બ્રેક્ઝિટની નિષ્ફળતા બાદ થેરેસા મેએ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે થેરેસા મે અત્યારે કાર્યકારી વડાપ્રધાન તરીકે કાર્ય કરતા રહેશે, જૂનના પ્રથમ સપ્તાહમાં તેમની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે પ્રસ્તાવિત છે. થેરેસા મેએ પોતાના ભાષણમાં કહ્યું કે આપણી રાજનીતિમાં શક્ય છે કે કોઈ નિરાશા હોય, પરંતુ આપણા દેશમાં ઘણું બધું એવું છે કે જેના પર આપણે ગર્વ કરવો જોઈએ.
તેમણે કહ્યું કે મારા માટે દેશની બીજી મહિલા વડાપ્રધાન હોવું તે ગર્વની વાત છે, પરંતુ હું નથી ઈચ્છતી કે આ અંતિમ હોય. થેરેસા મે પોતાના ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયાં. તેમણે કહ્યું કે મને ગર્વ છે કે મને બ્રિટનની સેવા કરવાની તક મળી.