નવી દિલ્હીઃ વિકિલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર બ્રિટિશ પોલીસે તેમની ધરપકડ કરી છે. અસાંજે પર આરોપ છે કે તેમણે અમેરિકા સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજ સાર્વજનિક કરી દીધા હતાં. 2012થી લંડન સ્થિત દૂતાવાસમાં તેઓ શરણ લેતા હતાં. યૌન ઉત્પીડન અને બળાત્કારના આરોપોમાં સ્વિડિશ અધિકારી તેમની સાથે પૂછપરછ કરવા ઈચ્છતા હતા, ત્યારબાદ અસાંજેએ દૂતાવાસમાં શરણ માંગ્યું હતું. અસાંજેએ ત્યારે દાવો કર્યો હતો કે જો તેમને સ્વીડન પ્રત્યાર્પિત કરવામાં આવ્યા તો અમેરિકા તેમની ધરપકડ કરી લેશે.
મેટ પોલીસના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અસાંજેએ કોર્ટમાં સરેન્ડર નથી કર્યું, એટલે તેની ધરપકડ કરવામાં આવી છે. ઈક્વાડોરના રાષ્ટ્રપતિ લેનિન મોરોનોએ જણાવ્યું કે તેમના દેશે અસાંજેને આપેલી શરણ પાછી લીધી હતી. તો વિકિલિક્સ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું કે ઈક્વાડોરે ખોટી રીતે અસાંજેને આપેલો આશ્રય પાછો લઈ લીધો.
ગૃહ સચિવ સાજિદ જાવેદના ટ્વિટ અનુસાર જૂલિયન અસાંજે અત્યારે પોલીસની પકડમાં છે અને બ્રિટનમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યો છે. હું ઈક્વાડોરને તેના સહયોગ અને યૂકેની મેટ પોલીસનો આભાર માનું છું. કાયદાથી મોટું કશું નથી, 47 વર્ષીય અસાંજેએ દૂતાવાસ છોડવાની મનાઈ કરી હતી. તેમનો દાવો હતો કે જો આવું થયું તો અમેરિકા મને લઈ જશે અને વિકિલિક્સની ગતિવિધિઓ મામલે પૂછપરછ કરવામાં આવશે.
તો સ્કોટલેન્ડ યાર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે રાજનયિક દ્વારા તેમને દૂતાવાસ પર બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ઈક્વાડોરની સરકારે તેમને આપેલી શરણ પાછી લીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અસાંજે અત્યારે સેન્ટ્રલ લંડનના પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રહેશે, ત્યારબાદ તેમને વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અસાંજે પર એ વાતને લઈને પણ શંકાના ઘેરામાં છે કે, તેમણે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાની દખલગીરીમાં પણ મદદ કરી હતી. કહેવામાં આવે છે કે તેમણે ત્યારે ક્લિંટનની ઝૂંબેશ અને ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા કોમ્પ્યૂટરો સાથે ચોરી થયેલી સામગ્રીને જાહેર કરી દીધી હતી. જુલાઈમાં ન્યાય વિભાગે તે કોમ્પ્યૂટર્સને હેક કરવા માટે 12 રશિયન ઈન્ટેલિજન્સ અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો. સાથે જ કહેવામાં આવી રહ્યું હતું કે તેમાંથી એક વિકિલિક્સના સંપર્કમાં હતો.