ચીનનું ઉધાર ખતરનાક, વિશ્વ બેંકે દુનિયાભરની સરકારોને ચેતવી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વર્લ્ડ બેંકે દુનિયાભરની સરકારોને ઋણની શરતોને લઈને વધારે પારદર્શિતા વરતવા માટે કહ્યું છે. બંન્ને સંસ્થાઓએ તમામ સરકારોને ઋણ પર ખૂબ વધારે નિર્ભરતાને લઈને પણ આગ્રહ કર્યો છે. આ સંસ્થાઓનું માનવું છે કે ઋણનો વધતો બોજ અને ચિંતાજનક સ્થિતી મુશ્કેલીનું કારણ બની શકે છે. તેમણે આ વાત ચીનના ઋણના વિકાસશીલ રાષ્ટ્રો પર વધતા પ્રભાવને ધ્યાનમાં રાખતા કહી છે.

સંસ્થાઓની ગઈકાલે થયેલી બેઠકમાં વર્લ્ડ બેંકના નવ નિયુક્ત અધ્યક્ષ ડેવિડ મલપાસે ચેતવણી આપી કે 17 આફ્રીકી દેશ પહેલાથી દેવાના સંકટ સામે ઝઝુમી રહ્યા છે અને એવા દેશોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે કારણ કે ઋણ લેવા માટે પારદર્શિતા નથી વરતવામાં આવતી.

આઈએમએફના પ્રમુખ ક્રિસ્ટન લેગાર્ડે કહ્યું કે ઋણનું ઉચ્ચ સ્તર અને ઋણદાતાઓની સંખ્યા આતરરાષ્ટ્રીય માનદંડો અનુસાર નથી અને ભવિષ્યમાં કોઈપણ દેશની ઋણ લેવાની કોશિશોને જટિલ બનાવી શકે છે. ક્રિસ્ટીન લેગાર્ડ અનુસાર, વિશ્વ બેંક અને આઈએમએફ બંન્ને ઋણની પ્રક્રિયામાં વધારે પારદર્શિતા લાવવા માટે એક સાથે કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ રિસર્ચે એક રિપોર્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે દુનિયાના આઠ દેશ ચીનથી લીધેલા ઋણના સંકટમાં ફસાઈને પછી બરબાદ થઈ શકે છે. આ આઠ દેશોમાં કઝાકિસ્તાન, જિબૂતી, મોટેનેગ્રો, કિરગિસ્તાન, મંગોલિયા, લાઓસ સહિત માલદીવ અને પાકિસ્તાનનું નામ પ્રમુખતાથી લેવામાં આવ્યું.

એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ઋણ ન ચુકવી શકવાની સ્થિતીમાં ચીન દેવાદાર દેશો પર દબાણ બનાવીને ઘણી સમજૂતીઓ માટે મજબૂર કરતું રહ્યું છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં ચીન દ્વારા પાકિસ્તાનની સ્ટેટ બેંકને 15 અબજ યુઆન એટલે કે આશરે 2.1 અબજ ડોલરની લોન આપ્યાની વાત પણ સામે આવી હતી.