લંડન- બ્રિટને ફરી એકવાર કહ્યું છે કે, તે ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપમાં (NSG) ભારતના સદસ્ય બનવાનું કોઈપણ પ્રકારની શરતો વગર સમર્થન કરે છે. વધુમાં બ્રિટને જણાવ્યું કે, ન્યૂક્લિયર વ્યાપારની જવાબદારી ધરાવતા આ વિશિષ્ટ જૂથમાં પ્રવેશવાની સંપૂર્ણ ક્ષમતા ભારતમાં છે.મળતી માહિતી મુજબ ભારતીય વિદેશ મંત્રાલય અને બ્રિટનની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ કેટલાંક રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, બ્રિટન ભારતને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ચાલનારી વ્યવસ્થાનું મુખ્ય સદસ્ય અને સંરક્ષક માને છે.
ઉલ્લેખનીય છે કે, NSGમાં ભારતના પ્રવેશને લઈને ચીન પહેલેથી જ વિરોધ કરતું રહ્યું છે. છતાં ભારત NSGમાં તેના પ્રવેશ માટે નવેસરથી દાવેદારી કરી રહ્યું છે. હાલમાં અમેરિકા સાથે યોજાયેલી 2+2 ચર્ચામાં અમેરિકાએ પણ ભારતને જલદી જ આ ગ્રુપનું સદસ્ય બનાવવાનું સમર્થન કર્યું છે.
બ્રિટન સાથે યોજાયેલી બેઠક બાદ એક રાજદૂતે કહ્યું કે, ‘NSGની દાવેદારી માટે ભારત યોગ્ય ઉમેદવાર છે અને અમારું માનવું છે કે, ભારતને NSGનું સદસ્ય બનવું જોઈએ. જોકે એ વાત તો ચીનના લોકો જ કહી શકે છે કે ભારતની સદસ્યતા સામે તેને શું વાંધો છે’.