અમેરિકાએ બનાવ્યો નવો નિયમ, H-1B વિઝા ધારકો પર થશે આ અસર

વોશિંગ્ટન- અમેરિકાએ તેના વિઝા નિયમોમાં બદલાવ કર્યા છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ જે લોકોના વિઝા એક્સપાયર થઈ ગયા છે અથવા જેમનું સ્ટેટસ બદલાઈ ગયું છે તેમને આગામી દિવસોમાં અમેરિકામાંથી બહાર કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી શકે છે.જે ફેડરલ એજન્સીને આ માટેની જવાબદારી સોંપવામાં આવી છે તેમને કહેવામાં આવ્યું છે કે, રોજગાર આધારિત અને માનવીય આધારો પર કરવામાં આવેલા આદેવનો માટે ઉપરોક્ત પ્રક્રિયા લાગૂ કરવામાં આવશે નહીં. જેથી H-1B વિઝા ધરાવનારા લોકોને થોડી રાહત મળવાની શક્યતા છે.

યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસીઝને વિઝા સ્વીકૃતિ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. નવા નિયમ મુજબ જે લોકોએ વિઝા એક્સટેન્શન માટે આવેદન આપ્યું છે તેમને નોટિસ ટૂ અપીયર (NTA) ઈશ્યૂ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, NTA અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા લોકોને દેશથી બહાર મોકલવા માટે ઈશ્યૂ થનારુ પ્રથમ પગલુ છે. NTA એક પ્રકારનું ડોક્યુમેન્ટ છે, જેમાં કોઈ વ્યક્તિને ઈમિગ્રેશન જજ સામે હાજર થવા કહેવામાં આવે છે. જેની જવાબદારી યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસીઝને સોંપવામાં આવી છે. USCIS દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નવા નિયમો એક ઓક્ટોબરથી લાગૂ કરવામાં આવશે.

હાલમાં જ મોટી સંખ્યામાં H-1B વિઝા ધારકોને તેમના વિઝાની મુદ્દત વધારવાથી મનાઈ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના લોકો ભારતીય હતા. આ નિયમ અમેરિકામાં રહેતા ભારતીયો માટે ઘણો મુશ્કેલીભર્યો બની શકે છે.