વેલિંગ્ટનઃ ન્યુ ઝીલેન્ડમાં હેમિલ્ટન પશ્ચિમના સંસદીય ક્ષેત્રના સભ્ય ડો. ગૌરવ શર્મા સંસ્કૃતમાં શપથ લેનાર ભારતીય મૂળના પહેલા સંસદસભ્ય અને વિશ્વના બીજા રાજકીય નેતા બની ગયા છે, જેમણે વિદેશી ધરતી પર સંસ્કૃતમાં શપથ લીધા છે. તેઓ મૂળ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી છે અને તેમણે ન્યુ ઝીલેન્ડની લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી છે, જે ત્યાંની સત્તારૂઢ પાર્ટી છે. ન્યુ ઝીલેન્ડમાં ભારતીય હાઇ કમિશન મુક્તેશ પરદેશીએ તેમને અભિનંદન આપ્યાં છે. ડોક્ટર ગૌરવ શર્માએ પહેલાં ન્યુ ઝીલેન્ડની સ્થાનિક માઓરી ભાષામાં શપથ લીધા હતા. ત્યાર બાદ તેમણે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. તેમણે આવું કરીને બંને દેશની સાંસ્કૃતિક પરંપરાઓનું સન્માન કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું. ગૌરવ શર્મા 1996માં ન્યુ ઝીલેન્ડ ગયા હતા. તેઓ લેબર પાર્ટીના ઉમેદવાર બન્યા અને નેશનલ પાર્ટીના ટીમ મેકિન્ડો સામે 4386 કરતાં વધુ મતોથી જીત્યા હતા. આ તેમનો બીજો પ્રયાસ હતો. આ પહેલાં તેઓ 2017માં ચૂંટણી લડ્યા હતા.
જોકે તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો છે. કોઈએ તેમને સવાલ કર્યો હતો કે, ‘તમે હિન્દીમાં શપથ કેમ ન લીધા?’ તો તેમણે કહ્યું કે, ‘એ વિચાર મારા મનમાં આવ્યો હતો, પરંતુ મેં વિચાર્યું હતું કે પહાડી મારી મૂળ ભાષા છે અને પંજાબીમાં પણ હું શપથ લઈ શક્યો હોત, પણ બધાને ખુશ કરવા સંભવ નથી. સંસ્કૃતમાં શપથ લઈને એકસાથે બધી ભાષાઓને સન્માન આપ્યું છે.’