પાકિસ્તાનમાં શીખ યુવકની હત્યા, ફેબ્રુઆરીમાં એના લગ્ન થવાના હતા; હત્યારાઓની શોધ ચાલુ છે

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર મુસ્લિમોનાં એક ટોળાએ હુમલો કર્યાના બે દિવસ બાદ, આજે પેશાવર શહેરમાં 25-વર્ષના એક શીખ યુવકને અજાણ્યા ઈસમોએ ઠાર કર્યાનો બનાવ બન્યો છે.

પેશાવર પોલીસના જણાવ્યા મુજબ મૃતકને રવિન્દર સિંહ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. એનો મૃતદેહ પેશાવરના ચમકાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવ્યો હતો. આ કેસમાં તપાસ હજી ચાલુ છે.

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને શીખ યુવકની હત્યાના બનાવને વખોડી કાઢ્યો છે અને જણાવ્યું છે કે શીખ છોકરીના અપહરણ, બળજબરીથી ધર્મપરિવર્તન અને લગ્નનો કેસ હજી ઉકેલાયો નથી અને નનકાના સાહિબ ખાતે ગુરુદ્વારા શ્રી જનમ અસ્થાન ખાતે પથ્થરમારાનો બનાવ બન્યો હતો ત્યાં હવે લઘુમતી શીખ કોમના યુવકની હત્યા કરવામાં આવી છે.

ભારત સરકારે પાકિસ્તાન સરકારને કહ્યું છે કે તે આ પ્રકારના અધમ કૃત્યોને રોકવા માટે તત્કાળ પગલાં લે અને ગુનેગારોને પકડી એમને સખત સજા કરે.

રવિન્દર સિંહ મલેશિયાનો વતની હતો અને આવતા મહિને એના લગ્ન નિર્ધારિત થયા હોઈ ખરીદી માટે પેશાવર ગયો હતો. રવિન્દર સિંહનો ભાઈ હરમીત સિંહ પત્રકાર છે.

રવિન્દરની હત્યાના સમાચાર જાણીને હરમીત સિંહ ખૂબ ગુસ્સે ભરાયો છે. એ પેશાવરમાં છે અને એણે કહ્યું છે કે લઘુમતી કોમો વિના કોઈ પણ દેશ પ્રગતિ સાધી શકે નહીં. પાકિસ્તાન લઘુમતી કોમોને કારણે જ સુંદર દેશ છે, પરંતુ દર વર્ષે અમારે મૃતકોને અમારા ખભે ઉઠાવવા પડે છે.

હરમીતે કહ્યું કે લઘુમતી કોમોનાં લોકોનું રક્ષણ કરવા માટે પાકિસ્તાનને અનેક દેશો પાસેથી જંગી રકમનું ભંડોળ મળે છે, પરંતુ લઘુમતી કોમોનાં લોકોનું રક્ષણ કરાતું નથી. માટે જ હું મારા ભાઈનો મૃતદેહ ઉપાડવા માટે અહીંયા આવ્યો છું. જ્યાં સુધી મારા ભાઈના હત્યારાઓને પાકિસ્તાન સરકાર પકડશે નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે.

શીખ લોકોનાં પ્રથમ ધર્મગુરુ ગુરુ નાનકના જન્મસ્થાન પર કરાયેલા હુમલાને કારણે પાકિસ્તાનમાં રહેતા શીખ લોકો ખૂબ ભયભીત થઈ ગયા છે. જેણે શીખ છોકરી જગજીત કૌરનું અપહરણ કરીને એનું બળજબરીથી ધર્મપરિવર્તન કર્યું હતું તે જ માણસના પરિવારની આગેવાની હેઠળ એક મુસ્લિમ ટોળાએ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. પરિણામે ગભરાઈ ગયેલા શીખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાની અંદર ફસાઈ ગયા હતા.

ભારતમાં, શાસક ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષ, બંનેએ આ બનાવને વખોડી કાઢ્યો છે. બંનેનાં કાર્યકર્તાઓએ નવી દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસની બહાર દેખાવો કર્યા હતા.