ન્યૂયોર્કઃ અમેરિકામાં ફરી એક વાર પોલીસની બર્બરતા સામે આવી છે. આ બર્બરતા આશરે એક મહિના પહેલાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડ સાથે બનેલી ઘટનાની યાદ અપાવે છે. ન્યૂયોર્કમાં બનેલી નવી ઘટનામાં એક કથિત પોલીસ જવાને એના ઘૂંટણથી ભારતીય મૂળની વ્યક્તિનું ગળું દબાવતા અને એનો વિડિયો સોશિયલ મિડિયા પર ફેલાતાં અમેરિકામાં દેખાવો થયા છે. આ ઘટનાનો વિડિયો જોયા પછી પોલીસની બર્બરતા સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્કેનેક્ટેડી શહેરમાં યુગેશ્વર ગૈંદરપરસૌદ નામના ભારતીયની ધરપકડ દરમ્યાન તેને જમીન પર પછાડીને એના ગળાના ભાગને ઘૂંટણથી દબાવતા પોલીસ જવાનના વિડિયોએ ગઈ 25 મેના મિનીપોલિસ શહેરમાં થયેલી ઘટનાની યાદને તાજી કરી દીધી છે. જોકે આ ઘટનામાં યુગેશ્વરને ધરપકડ પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જેથી તે બચી ગયો છે. જ્યારે મિનીપોલીસની ઘટનામાં અશ્વેત નાગરિક ફ્લોઈડનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. એને પગલે આખા અમેરિકામાં હિંસક દેખાવો ફાટી નીકળ્યા હતા.
આશરે 100 જણ સાથે યુગેશ્વરે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો
બાદમાં યુગેશ્વરે સ્કેનેક્ટેડી પોલીસ મુખ્યાલયની બહાર આશરે 100 જણની સાથે મળીને દેખાવો કર્યા હતા. મિડિયા અહેવાલો મુજબ આ વિરોધ દરમ્યાન પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય પોલ ટોનકોએ ટ્વીટ કરીને કહ્યું કે, સ્કેનક્ટેડીના એક પોલીસ અધિકારીનું આ હિંસક કૃત્ય જોઈને હું ગુસ્સામાં છું અને હતપ્રભ છું.
આ મામલે તપાસના આદેશ
શહેરના પોલીસપ્રમુખ એરિક ક્લિફોર્ડે મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે એવી ફરિયાદો મળી હતી કે યુગેશ્વરે એક કારના ટાયરને કાપી નાખ્યું હતું અને જ્યારે પોલીસે તેની ધરપકડ કરવાની કોશિશ કરી ત્યારે તેણે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેના ગળાને પકડવાને પ્રયાસ માત્ર તેને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તે ગાડી સુધી ચાલીને જવામાં સક્ષમ હતો. બીજી બાજુ યુગેશ્વરે જણાવ્યું હતું કે જ્યારે તેને ગાડીમાં બેસાડવામાં આવ્યો ત્યારે તે બેહોશ હતો. ત્યાર બાદ તે હોસ્પિટલમાં જઈને ભાનમાં આવ્યો હતો. ક્લિફોર્ડે કહ્યું હતું કે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, પોલીસ જવાને જ્યારે યુગેશ્વરને જમીન પર પછાડ્યો હતો અને એની ગરદન પર પોતાનું ઘૂંટણ દબાવ્યું હતું ત્યારે યુગેશ્વરના પિતા જઈન્દ્ર ગૈંદરપરસૌદ ત્યાં હાજર હતા અને એમણે પોતાના મોબાઈલ ફોન દ્વારા એ ઘટનાનો વિડિયો બનાવ્યો હતો અને પછી 22-સેકંડની એ ક્લિપને સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી.