અમેરિકામાં વધી રહ્યો છે ઉત્તર કોરિયાના તાનાશાહનો ડર, CIAએ વ્યક્ત કરી ચિંતા

વોશિંગ્ટન- વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા અમેરિકાને પણ હવે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગનો ડર સતાવી રહ્યો છે. અમેરિકાની જાસુસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીએ (CIA) જણાવ્યું છે કે, કોરિયન ટાપુને પોતાના હસ્તક કરવા નોર્થ કોરિયા પરમાણુ હુમલો પણ કરી શકે છે.ગત રોજ અમેરિકન એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટીટ્યૂટના એક કાર્યક્રમમાં CIAના પ્રમુખ માઈક પોમ્પોઝે જણાવ્યું કે, ‘કિમ જોંગ પોતાની આત્મરક્ષાના હેતુથી અલગ જઈને કોરિયન ટાપુને પોતાના હસ્તક કરવા નોર્થ કોરિયા પરમાણુ હુમલો કરી શકે છે. વધુમાં પોમ્પોઝે જણાવ્યું કે, કિમ જોંગ સાઉથ કોરિયાને પણ પોતાને આધિન કરવા સૈન્ય કાર્યવાહી કરી શકે છે.

પોમ્પોઝે જણાવ્યું કે, કિમ જોંગ ફક્ત પરમાણુ પરીક્ષણ કરીને શાંત બેસી રહે તેમ નથી. તેનો આગામી ઉદ્દેશ્ય વધુ હથિયારો વિકસિત કરવાનો અને એક સાથે અનેક મિસાઈલ હુમલો કરવાની પ્રણાલી વિકસાવવાનો છે. અમેરિકાનો પ્રયાસ છે કે, કિમ જોંગના આ પ્રયાસને શક્ય તેટલો અટકાવી શકાય.

માઈક પોમ્પોઝે કહ્યું કે, ‘અમારું મિશન પુરુ થયું નથી, પણ અમારા અધિકારીઓ વિશ્વમાં ફેલાયેલા છે જે અમને અમારું મિશન પૂર્ણ કરવા સહયોગ કરશે. ઉપરાંત નોર્થ કોરિયાને પરમાણુ મુક્ત કરવા અને વધુ પ્રતિબંધો લાગુ કરવા અમેરિકા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે’.