વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલાં જ ઉત્તર કોરિયાના શાસક કિમજોંગ ઉન અમેરિકાના વ્યવહારથી નારાજ છે. નારાજ થયેલા કિમ જોંગે 12 જૂને ટ્રમ્પ સાથે સિંગાપુરમાં યોજાનારી બેઠક રદ કરવાની પણ ધમકી ઉચ્ચારી છે. પરંતુ સવાલ એ છે કે, કિમ જોંગના નારાજ થવાનું કારણ શું છે?જાણકારોનું માનએ તો, એક તરફ અમેરિકા પરમાણુ કાર્યક્રમ બંધ કરવા કિમ જોંગ પર દબાણ વધારી રહ્યું છે અને બીજી તરફ દક્ષિણ કોરિયા સાથે અમેરિકા લશ્કરી કવાયત કરી રહ્યું છે. આ સ્થિતિમાં કિમ જોંગને ગુસ્સો આવે તે પણ સ્વાભાવિક છે.
જે અમેરિકાના કહેવાથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે પોતાના પરમાણુ પરીક્ષણને બંધ કરવાનું વચન આપ્યું હતું, તે વાયદો ટુટી શકે છે. એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે 12મી જૂનના રોજ સિંગાપોરમાં યોજાનારી મુલાકાત પણ રદ થઈ શકે છે. વાસ્તવમાં, કિમ જોંગના ગુસ્સાનું એક કારણ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટનના એ નિવેદનને પણ માનવામાં આવે છે, જેમાં તેમણે ઉત્તર કોરિયા માટે લિબિયા મોડેલનો ઉલ્લેખ કર્યો હતો.
ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ નાયબ વિદેશપ્રધાન કિમ કે. ગુવાનનું નિવેદન જાહેર કર્યું છે. જેમાં ગુવાને જણાવ્યું છે કે, જો અમેરિકા અમને નજરઅંદાજ કરીને ફક્ત એક તરફી માગણી કરશે કે, ‘અમે અમારા પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવીએ તો, અમે આ પ્રકારની ચર્ચાના પક્ષમાં નથી’. આ સિવાય આગામી સમયમાં યોજાનારી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની બેઠક અંગે પણ અમે ફરીવાર વિચાર કરશું.