વર્તમાન સંજોગોમાં દક્ષિણ કોરિયા સાથે ચર્ચા શક્ય નથી: ઉત્તર કોરિયા

પ્યોંગયાંગ- કોરિયાઈ દેશો વચ્ચે સંબંધ સુધારવાની દિશામાં આગળ વધ્યા બાદ ફરી એકવાર તેમાં અવરોધ જણાઈ રહ્યો છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાની સરકારને અજ્ઞાની અને અસમર્થ ગણાવી છે. અને જણાવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે વાટાઘાટ શક્ય નથી. ઉત્તર કોરિયાએ એમ પણ કહ્યું છે કે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે કોઈ પણ વાટાઘાટો ત્યાં સુધી શક્ય નહીં બને જ્યાં સુધી ઉત્તર કોરિયાની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે.આ પહેલા કોરિયાઈ ટાપુના બન્ને દેશો વચ્ચે યોજાનારી વાટાઘાટ રદ્દ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, બન્ને દેશો વચ્ચે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાંથી અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસને કારણે ઉત્તર કોરિયાએ ચર્ચા કરવામાંથી પીછે હટ કરી છે.

ઉત્તર કોરિયાના ટોચના નેતાએ જણાવ્યું કે, જ્યાં સુધી ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ઉચ્ચ સ્તરની વાટાઘાટોને અટકાવનારી ગંભીર સ્થિતિનું સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી દક્ષિણ કોરિયાના વર્તમાન શાસક સામે ચર્ચા માટે બેસવું સરળ નહીં રહે.

બીજી તરફ અમેરિકાએ કહ્યું છે કે, આગામી મહિને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગની ચર્ચા માટે આગળ વધવા અમેરિકા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાએ 12 જૂનની વાટાઘાટમાંથી ખસી જવાની પણ ધમકી ઉચ્ચારી હતી.