વોશિંગ્ટનઃ અમેરિકાના સિનસિનાટીમાં શીખ સમુદાયના ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ તમામ લોકો એક જ પરિવારના હતા. આમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ચારેય લોકોના મૃતદેહ અહીંયાના વેસ્ટ ચેસ્ટરમાં એક એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યા છે.
રવિવારના રોજ થયેલી આ ઘટના બાદ સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ પરિવાર વેસ્ટ ચેસ્ટરની ટાઉનશિપમાં રહેતો હતો. અપાર્ટમેન્ટમાં જ પરિવારના ચારેય સદસ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ચારેય લોકો પર ગોળી મારીને હુમલો કરવામાં આવ્યો છે. જો કે પોલીસ હજી સુધી આ ઘટના પર કોઈ ચોક્કસ જાણકારી મેળવી શકી નથી.
પોલીસે જણાવ્યું કે એક વ્યક્તિએ રાત્રે 10 વાગ્યે પોલીસને ફોન કર્યો. તેણે જણાવ્યું કે જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો, ત્યારે તેના પરિવારના સદસ્ય જખ્મી હાલતમાં પડ્યા હતા. તેઓ જમીન પર પડ્યા હતા અને તેમના શરિરમાંથી રક્ત વહી રહ્યું હતું. તેઓ મદદ માટે બુમો પાડી રહ્યા હતા.
વેસ્ટ ચેસ્ટર પોલીસનું કહેવું છે કે આ ઘટના શીખ સમુદાય વિરુદ્ધ નથી અને આનાથી સમુદાય માટે કોઈ ખતરો નથી. આ સાથે જ પોલીસે એ પણ જણાવ્યું કે મરનારા લોકો પૈકી કોઈ હુમલાખોર લાગી રહ્યું નથી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે, કે પોલીસ હજી સુધી કોઈ હુમલાખોરની ઓળખ કરી શકી નથી. અત્યારે પોલીસ મામલાની તપાસ કરી રહી છે.