વોશિંગ્ટનઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે પાકિસ્તાન સહિતના દેશોની જેલમાં બંધ ઈશ નિંદાના આરોપીઓને તાત્કાલિક છોડવાની માગ કરી છે. પાકિસ્તાનના સમાચારપત્રના એક રિપોર્ટ અનુસાર પેંસે વોશિંગ્ટનમાં ધાર્મિક સ્વતંત્રતા પર આયોજિત આંતરરાષ્ટ્રીય સંમ્મેલનમાં કહ્યું કે પાકિસ્તાન, સાઉદી અરબ, ઈરીટ્રિયા અને મારિતાનિયા પોતાના ત્યાં જેલમાં બંધ એ કેદીઓને છોડી દે કે જેના પર ધર્મના અપમાનનો આરોપ લાગ્યો છે.
તેમણે કહ્યું કે અમેરિકા એ અપેક્ષા રાખે છે કે આ તમામ દેશ સામાન્ય નાગરિકની વિવેકપૂર્ણ પસંદગી કરવાની આઝાદીનો હક્ક આપશે. આ નાગરિકોને અમેરિકી નાગરિકોનું સમર્થન પ્રાપ્ત છે. પેંસે અમેરિકાના નજીકના ગણાતાં સાઉદી અરબની રાજાશાહીને રઉફ બદવીને છોડવાની માગ કરી છે કે જેને ધર્મના અપમાન મામલે 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
પેંસે ચીનમાં ઉઈગર મુસ્લિમ અલ્પસંખ્યકોની સ્થિતિ પર કહ્યું કે અમેરિકા, ચીન સાથે આર્થિક મુદ્દાઓ પર વાર્તા છતાં પણ દેશમાં ધાર્મિક આઝાદીના મુદ્દાને નહી છોડે. સમ્મેલનમાં અમેરિકી વિદેશ પ્રધાન માઈક મોમ્પિયોએ કહ્યું કે ઉઈગર મુસ્લિમ અલ્પસંખ્યકો સાથે ચીનની ગેરવર્તણૂંકે વિશ્વમાં માનવાધિકાર ઉલ્લંઘનની એક સંગીન તસવીર દર્શાવી છે.