ન્યૂયોર્કઃ અમેરિકાની મલ્ટીનેશનલ ઈ-કોમર્સ કંપની એમેઝોન 25-50 નહીં, 20 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં હોવાનો અહેવાલ છે. અસંખ્ય વરિષ્ઠ કર્મચારીઓને માથે પણ નોકરી ગુમાવવાની તલવાર લટકી રહી છે.
અગાઉ નવેમ્બરમાં કંપનીના સૂત્રોને ટાંકીને એવો અહેવાલ હતો કે કંપની તેના સ્ટાફમાં 10 હજારનો કાપ મૂકવા વિચારે છે. હવે એવો અહેવાલ છે કે કપાતનો આંકડો ડબલ થઈ શકે છે. કંપની વધારે વિભાગોમાં કર્મચારીઓને ઘરનો રસ્તો બતાવે એવી સંભાવના છે. આમાં ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર, ટેક્નોલોજી અને કોર્પોરેટ એક્ઝિક્યૂટિવ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
કંપનીની મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓનાં કામકાજનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે. એમેઝોનમાં આશરે 15 લાખ કર્મચારીઓ છે. એમાંના લગભગ 1.3 ટકા જેટલાને છૂટા કરવામાં આવે એવી ધારણા છે.