કરાચીઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આજે થયેલી એક ભીષણ બસ દુર્ઘટનામાં 42 જણના કરૂણ મરણ નિપજ્યા છે. બસ એક પૂલ પરના થાંભલા સાથે અથડાયા બાદ ખીણમાં પડી ગઈ હતી અને એમાં આગ પણ લાગી હતી અને આગની જ્વાળાઓમાં એ લપેટાઈ ગઈ હતી.
પ્રાંતના પાટનગર ક્વેટાથી સિંધ પ્રાંતના પાટનગર કરાચી જતી બસમાં 48 જણ પ્રવાસ કરતા હતા. લાસબેલા વિસ્તાર નજીક એક પૂલ પર યૂ-ટર્ન લેતી વખતે બસ એક થાંભલા સાથે અથડાઈ ગઈ હતી અને ખીણમાં પડી હતી. તરત જ એમાં આગ લાગી હતી અને તે જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. દુર્ઘટના સ્થળેથી સાંજ સુધીમાં 42 મૃતદેહો મળ્યા હતા. માત્ર ત્રણ જ જણને બચાવી શકાયા છે. જેમાં એક બાળક, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી મરણાંક વધી શકે છે.