કેલિફોર્નિયાઃ અમેરિકામાં એચ1બી વિઝા અંગે છેતરપિંડીના કેસમાં ભારતીય મૂળના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે આરોપ મૂકાયો છે કે તેઓ કન્સલટિંગ ફર્મ ખોલીને ગેરકાયદે પ્લેસમેન્ટ કરાવતાં હતાં.કેલિફોર્નિયાની કોર્ટમાં ચાલી રહેલાં આ મામલામાં તપાસ અધિકારી ડેવિડ એન્ડરસને જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલાં 3 અધિકારી દત્તપુરમ, કુમાર અશ્વપતિ અને સંતોષ ગિરિ છે. આ લોકો એક કન્સલટિંગ ફર્મ નેનો સેમેંટિક્સ ઇન્ક ચલાવતાં હતાં જે અન્ય કંપનીઓમાં કામદારોને નોકરી અપાવવાનું કામ કરતી હતી. આરોપીઓએ આ કંપની દ્વારા નકલી એચ1બી વિઝા અરજીઓ રજૂ કરી જેથી તેઓ પોતાના અન્ય ગ્રાહકોની કંપનીઓમાં પ્લેસમેન્ટ માટે કામદારોની એક શૃંખલા તૈયાર કરી શકે. એક નાગરિક પેનલ ગ્રાન્ડ જ્યૂરી દ્વારા આ મામલે પહેલી સુનાવણી બાદ આ હકીકત પ્રકાશમાં આવી હતી.વધુમાં જણાવાયું હતું કે જપ્ત કરવામાં આવેલી વિઝા અરજીઓમાં જે કામદારો માટે નામિત કંપનીઓમાં વિશેષ નોકરીની વાત કરવામાં આવી હતી, વાસ્તવમાં તે નોકરીઓ હતી જ નહીં તેવી જાણ આરોપીઓને હતી. આ મુદ્દે તપાસ કરતાં અધિકારીઓ સાથે જણાવ્યું હતું કે આ મામલે કેસ ચલાવવામાં આવશે. ત્રણેય આરોપીઓએ જોકે તેમની પર મૂકાયેલાં આરોપોનો ઇનકાર કર્યો છે. તેમને જામીન પર છોડવામાં આવેલાં છે.આપને જણાવીએ કે આ પ્રકારનો એક કેસ 2018માં પણ બહાર આવ્યો હતો. આ પ્રકારના કેસમાં અમેરિકામાં વિઝા છેતરપિંડીના દરેક આરોપ પર 10 વર્ષની કેદ અને 2 લાખ 50 હજાર ડૉલરનો મહત્તમ દંડ ફટકારવામાં આવે છે તેમ જ છેતરપિંડીના ગુનામાં 20 વર્ષની સજા પણ થઈ શકે છે.